જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પરશુરામ જન્મ જયંતીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.10મે ના રોજ અખાત્રીજના શુભ દિને પરશુરામ જન્મ જયંતીના દિવસે પરંપરાગત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કુલ 30 જેટલા ફ્લોટ્સ જોડાયા હતાં. જેમાં બ્રહ્મસમાજની 13 વિવિધ પેટા જ્ઞાતિઓ અને ઘટકો દ્વારા ફ્લોટ્સમાં ભગવાન શ્રી પરશુરામજી ના વિવિધ સ્વરૂપો રજૂ કર્યા હતાં. 18 ખુલ્લા ફ્લોટ્સમાં વિવિધ ધાર્મિક અવતારોમાં આશરે 200 બાળકો અલગ અલગ વેશભૂષા સાથે જોડાયા હતાં.
પરશુરામ શોભાયાત્રા બાલા હનુમાનજી મંદિર તળાવની પાળ થી પ્રસ્થાન કરીને હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, માંડવી ટાવર, ચાંદી બજાર, દીપક ટોકીઝ, પંજાબ બેંક, વંડા ફળી જશે ત્યારબાદ પંચેશ્વર ટાવર ખાતે પૂર્ણાહુતિ થશે.
પંચેશ્વર ટાવર ખાતે શોભાયાત્રા ની પૂર્ણાહુતિ બાદ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં બ્રહ્મ સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરશુરામ શોભાયાત્રામાં જિલ્લા તથા શહેર વિવિધ ઘટકો અને પેટા જ્ઞાતિના બ્રાહ્મણો મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે જોડાયા હતાં. શોભાયાત્રાનું માર્ગ પર વિવિધ બ્રહ્મસમાજની સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શરબત વિતરણ કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાના પ્રારંભે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઇ ખીમસુરીયા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા અને બ્રહ્મ સમાજના આશિષભાઈ જોશી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પુર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, બ્રહ્મ સમાજના અગ્રણી નરેન્દ્રભાઇ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.