ખંભાળિયામાં રહેતા એક પરિવારની સગીરાને પરપ્રાંતીય એવા એક શખ્સ દ્વારા આજથી આશરે એક વર્ષ પૂર્વે અપહરણ કરીને લઈ ગયા બાદ તેણી પર આચરવામાં આવેલા દુષ્કર્મના પ્રકરણમાં ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે બિહાર રાજ્યના ગયા જિલ્લાના ડેલ્હા તાલુકામાં રહેતા રણજીતકુમાર કારુ બિંદ નામના શખ્સ દ્વારા ગત તારીખ 6 માર્ચ 2024 ના રોજ ખંભાળિયા પંથકમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને લગ્ન કરવાની લાલચ આપીને પરિવારજનોના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયા બાદ તેણી પર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ પ્રકરણમાં સગીરાના પિતા દ્વારા આરોપી રણજીતકુમાર કારૂ બિંદ સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગુના સંદર્ભે પોલીસ દ્વારા દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી, આરોપી તેમજ ભોગ બન્યાના મેડિકલ નમૂના મેળવીને એફ.એસ.એલ.માં મોકલી જરૂરી તપાસ બાદ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
આ અંગેનો કેસ ખંભાળિયાની અદાલતમાં ચાલી જતા પોક્સો કોર્ટના જજ એસ.જી. મનસુરી દ્વારા ભોગ બનનારની જુબાની તેમજ કોર્ટ સમક્ષ લેવામાં આવેલા જરૂરી નિવેદન, સાહેદોની જુબાની, મોબાઈલ કોલ ડીટેઈલ, નોડલ ઓફિસરની જુબાની, વિગેરે સાથે જિલ્લા મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી સવિસ્તૃત દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલતે દુષ્કર્મ તેમજ પોક્સોની જુદી જુદી કલમ હેઠળ આરોપી રણજીતકુમારને તકસીરવાન ઠેરવી, 20 વર્ષની સખત કેદ તેમજ રૂપિયા 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આટલું જ નહીં, ભોગ બનનારના સામાજિક, માનસિક અને આર્થિક પુનર્વસન માટે તેણીને કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.


