જામનગર શહેરના ગોકુલનગરમાં વિસ્તારમાં રહેતી માનસિક બીમાર મહિલા અવાર-નવાર મરી જવાની વાતો કરી મરી જવાના પ્રયત્નો પણ કરતી હતી. દરમિયાન શુક્રવારે સવારે તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલી સાયોના શેરી નંબર-6/ડી માં રહેતાં રમેશભાઈ કાલભાઈ જગતિયા નામના સુથારી કામ કરતા યુવાનની પત્ની દિપ્તીબેન રમેશભાઈ જગતિયા (ઉ.વ.35) નામની મહિલાને છેલ્લાં ચાર વર્ષથી માનસિક બીમારી થઈ હતી જેના કારણે માથાનો દુ:ખાવો રહેતો હતો. આ બીમારી દરમિયાન મહિલા અવાર-નવાર મરી જવાની વાતો કરતી હતી અને મરી જવાનો પ્રયાસ પણ કરતી હતી તે દરમિયાન શુક્રવારે સવારના સમયે મહિલાએ કોઇ કારણસર તેના ઘરે રૂમના પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના પતિ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી. જે. જોશી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પતિના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


