જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રેંકડી લેવાની બાબતે બોલાચાલી થવાથી દંપતીએ મહિલા સાથે ઝઘડો કરી વાળ પકડીને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા સતવારાવાસમાં રહેતાં પરવીનબેન ગફારભાઈ બાબી નામની મહિલાના પતિને કોમન પ્લોટમાં રેંકડી રાખી હતી. જે રેંકડી લેવા બાબતે સબીનાબેન સુલતાન સેરજી અને સુલતાન સબીર સેરજી નામના દંપતીએ પરવીનબેન સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો કાઢી વાળ પકડી ફડાકા ઝીંકી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલો અને ધમકીના બનાવ અંગેની મહિલા દ્વારા જાણ કરાતા હેકો જી.વી. ચાવડા તથા સ્ટાફે દંપતી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


