ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે સ્થાપિત થવા માટે તમામ તાકાત લગાવી રહેલા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે એક સનસનીખેજ દાવો કરીને જણાવ્યું હતું કે ઈન્ટેલીજન્સ બ્યુરોને રિપોર્ટ મુજબ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ હારી રહી છે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે.
ગઈકાલે રાજકોટ આવેલા કેજરીવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ‘સુત્રો’ મુજબ આઈબીનો હાલનો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો આજે ગુજરાતમાં ચૂંટણી યોજાય તો રાજયમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હોવાનો કેજરીવાલે દાવો કર્યો કે ‘આપ’ પાતળી બહુમતીથી પણ સરકાર બનાવશે. અમારી અને ભાજપ વચ્ચેની સીધી ટકકરમાં અમે થોડી બેઠકોથી ભાજપથી આગળ છીએ અને ગુજરાતની જનતા ભાજપને એક મોટો આંચકો આપવા જઈ રહી છે.
કેજરીવાલ ગઈકાલે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા અને રાજકોટમાં તેઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે જયારથી આઈબીનો આ રિપોર્ટ સરકાર પાસે પહોંચ્યો છે તે બાદ ભાજપ અને કોંગ્રેસે હાથ મિલાવી લીધા છે અને બંનેની બેઠકો ચાલી રહી છે. ભાજપ આ રિપોર્ટથી ડરી ગયું છે અને તેથી જ બંને પક્ષો આમ આદમી પાર્ટી પર એક જ ભાષામાં આરોપ લગાવી રહ્યા છે. કેજરીવાલના આ દાવાને કોંગ્રેસના પ્રવકતા મનીષ જોષીએ તીખી પ્રક્રિયા આપતા કહ્યું કે દરેક વ્યકિત જાણે છે કે કેજરીવાલ જૂઠા છે
તેમના દાવાથી પ્રથમ પ્રશ્ન એ ઉઠે છે કે આઈબીનો રિપોર્ટ કેજરીવાલ સુધી કેમ પહોંચી ગયો. તેઓએ આ ગુપ્ત રિપોર્ટ શા માટે સાર્વજનિક કર્યો, શું આ પ્રકારે આઈબીના રિપોર્ટ જાહેર કરવા એ એક મુખ્યમંત્રી તરીકે તેમને સરકારી ગુપ્તતાનો ભંગ કર્યો નથી? તેઓ એક સરકારી અધિકારી રહી ચૂકયા છે તેથી તેમને આ ખ્યાલ હોવો જોઈએ. તેઓએ આ મુદે તપાસની માંગણી કરી હતી.