જોડિયા પોલીસ દ્વારા જોડિયા ટાઉન તથા બાલંભા આઉટ પોલીસ સ્ટેશનના પીઠડ તથા ટિંબડી ગામેથી પીજીવીસીએલ કચેરી સ્ટાફ સાથે હાથ ધરાયેલ સંયુક્ત કામગીરી દરમિયાન 15 શખ્સોના રહેણાંક મકાને દારુના કેસની રેઇડ કરી હતી. આ દરમિયાન 9 જેટલા શખ્સોના રહેણાંક મકાનમાં વિજચોરી ઝડપાતા અંદાજિત 3,50,000નો દંડ કરવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ ધ્રોલ સર્કલ પીઆઇ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ જોડિયાના પીએસઆઇ આર.ડી. ગોહિલ તથા સ્ટાફ પંચે-બીના પીએસઆઇ એન.એ. મોરી તથા સ્ટાફ, ધ્રોલ પોલીસ સ્ટાફ તથા જોડિયા અને આમરણ પીજીવીસીએલ સ્ટાફ દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન જોડિયાના પીઠડ ગામે મઝિદ સિદીક કમોરા, સલમાબેન ફૈઝાન જુમાણી, રસુલ રહીમ જસરાયા, હબીબ હાજી પીલુડીયા, હસીનાબેન ઇસાક કમોરા, આમીન આલમ કાટીયા, ટિંબડી ગામે જલ્પાબેન વિપુલ ચરોલા, જિતેન્દ્ર મનસુખ પરેસા, અશ્ર્વિનસિંહ ઉર્ફે અશોક ટેમુભા જાડેજા, દરનોવાસમાં કનકબા કનકસિંહ ઝાલા, પ્રતાપબા ભીખુભા સોઢા, જસુભા દેવાજી સોઢા, નાનોવાસમાં અસગર એલિયાસ સન્ના, મફતિયાપરામાં અનવર મુસા રાધા તથા વાણિયા શેરીમાં જુનુસ ઉર્ફે જુનાઇડો ઇબ્રાહીમ સાઇચા નામના 15 શખ્સોના રહેણાંક મકાને દારુ અંગેની રેઇડ કરી હતી.
આ રેઇડમાં દારુના પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સો પૈકી 9 શખ્સોના રહેણાંક મકાનમાં વિજચોરી પણ ઝડપાઇ હતી. જેમાં મઝિદ સિદીક કમોરા, સલમાબેન ફૈઝાન જુમાણી, રસુલ રહીમ જસરાયા, હસીનાબેન ઇસાક કમોરા, આમીન આલમ કાટીયા, ટિંબડી ગામે અશ્ર્વિનસિંહ ઉર્ફે અશોક ટેમુભા જાડેજા, દરનોવાસમાં કનકબા કનકસિંહ ઝાલા, પ્રતાપબા ભીખુભા સોઢા તથા વાણિયા શેરીમાં જુનુસ ઉર્ફે જુનાઇડો ઇબ્રાહીમ સાઇચા સહિતના 9 શખ્સોના રહેણાંક મકાનમાં વિજચોરી ઝડપાતા પીજીવીસીએલ દ્વારા અંદાજિત રૂા. 3,50,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.