વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રોજેક્ટનું 2019માં ખાતમુહૂર્ત કર્યું હતું તે જામનગર જીલ્લાના જોડિયા તાલુકામાં સ્થપાનારા મહત્વકાંક્ષી સેલાઈન વોટર ડીસેલીનેસન પ્રોજેક્ટને પડતો મુકાયાની આખરે સત્તાવાર જાણકારી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. આજથી શરુ થયેલા રાજ્ય વિધાનસભાના ચોમાસું સત્ર માં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકાર તરફથી સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે અંદાજે 400 કરોડનો દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાના આ પ્રોજેક્ટનો કરાર રદ્દ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત લોકસભા ચુંટણી પહેલા જામનગર આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલાક વિકાસ કામો સાથે આ પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટ દ્વારા દરિયાના ખારા પાણીમાંથી દૈનિક 100 MLD મીઠું પાણી મેળવવાનું આયોજન હતું. સંભવતઃ આર્થિક રીતે આ પ્રોજેક્ટ વાયેબલ ન હોવાને કારણે પડતો મુક્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે સરકાર અને જીલ્લા તંત્ર દ્વારા આ પ્રોજેક્ટ માટે જમીન પણ સંપાદિત કરી લેવામાં આવી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી પ્રોજેક્ટનું કાર્ય આગળ નહિ વધતા અનેક શંકા-કુશંકાઓ અને તર્ક-વિતર્કો વહેતા થયા હતા. પરંતુ અત્યારસુધી સરકાર દ્વારા મગનું નામ મરી પાડવામાં આવ્યું ન હતું. એટલેકે આ પ્રોજેક્ટ પડતો મુક્યો છે તેવી સત્તાવાર ઘોષણાથી સરકાર બચી રહી હતી. દરમ્યાન આજે વિધાનસભા સત્રમાં એ સ્પસ્ટ થઇ ગયું છે કે આ પ્રોજેક્ટ ઉપર હવે પૂર્ણવિરામ આવી ગયું છે.