જામનગર શહેરની સાથે રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે વાવાઝોડાને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ જામનગર મહાનગર પાલિકા દ્વારા એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. મ્યુ. કમિશનર ડી.એન. મોદી અને નાયબ કમિશનર બી.એન. જાનીના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાંથી હોર્ડીંગ્સ હટાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ રેસ્કયુ માટેના સાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે.
બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.1-6-2023 થી તા.30-11-2023 સુધી રાઉન્ડ ક કલોક કાર્યરત છે જેમાં શીફટવાઈઝ નાયબ કાર્યપાલક ઈજનેર અને આસી. એન્જીનિયરની નિમણૂંક કરવામાં આવી છે તેમજ કમિશનરના માર્ગદર્શન હેઠળ સીટી ઈજનેર, ચીફ ફાયર ઓફિસર તથા કાર્યપાલક ઈજનેર દ્વારા ફલડ કંટ્રોલ તેમજ વાવાઝોડાની પરિસ્થિતિનું રાઉન્ડ ધ કલોક મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારો કે જેમાં વોર્ડ નં.1-2-4-10-12 અને 15 માં ઓટો રીક્ષા થી વાવાઝોડા સંદર્ભે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે. તેમજ ભારે વરસાદની પરિસ્થિતિ માટે છ ફાયર રેસ્કયૂ બોટમાં છ ટીમો નિયત કરવામાં આવી છે. ભાર પવનને કારણે શહેરમાં વૃક્ષો ધરાશાયી થાય તથા રોડ બ્લોકેજ ન થાય તે માટે 15 ટ્રી કટર મશીન તથા બે હાઈડ્રોલિક ટ્રીમીંગ મશીન ઉપલબ્ધ રખાયા છે.
આ ઉપરાંત ફાયરના 32 વાહનો જેમાં રેસ્કયૂ મશીન, ફાયર ટેન્કર, રેસ્કયૂ જીપ, એમ્બ્યુલન્સ સહિતના સાધનો સજ્જ રખાયા છે. આ ઉપરાંત શનિવારે ભારે પવનને કારણે 21 વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો આવી હતી. જેમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોને સ્થળાંતરિત કરવાની પરિસ્થિતિ ઉભી થાય તો 16 વોર્ડમાં કુલ 30 જેટલા આશ્રય સ્થાનોની યાદીમાં પણ તૈયાર રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં 15000 જેટલા લોકો પ્રભાવિત થવાની શકયતા હોય, તેમના સ્થળાંતરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. તેમજ શહેરમાં 130 જેટલી જર્જરિત ઈમારતોને નોટિસ પાઠવી બે જર્જરિત ઈમારતો દૂર કરી વધારાની બે ઈમારતો દૂર કરવા કામગીરી હાથ ધરાઈ છે.
આ ઉપરાંત ફલડ કંટ્રોલ રૂમ ખાતે આઠ જેસીબી, આઠ ટે્રકટર, મેન પાવરની 20 માણસોની ટીમ રાઉન્ડ ધ કલોક કાર્યરત રાખવામાં આવી છે તેમજ ફાયર શાખામાં લાઈફ જેકેટ તથા રીંગખોયા સહિતના સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે.