ઉત્તરાખંડના પિથૌરાગઢમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. પિથૌરાગઢના મુન્સ્યારીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ કાબૂ બહાર જતાં ખીણમાં ખાબકી હતી. કારમાં સવાર તમામ લોકો હોકરા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. મુસાફરોથી ભરેલી બોલેરો જીપ 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ જીપમાં 11 લોકો સવાર હતા જેમાંથી નવ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. પોલીસ ટીમ અને ઈંઝઇઙના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બાગેશ્વર જિલ્લાના સમાથી હોકરા તરફ જઈ રહેલી બોલેરો જીપ અકસ્માતનો ભોગ બની હતી અને 500 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમના મૃતદેહ મળી આવ્યા છે. બે લોકો ઘાયલ થયા છે. નાચની પોલીસ સ્ટેશનના એસએચઓ ચંદન સિંહ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે રવાના થયા હતા. તેજમ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સને ઘટનાસ્થળ પર મોકલવામાં આવી હતી. અકસ્માતનો ભોગ બનેલા લોકો બોલેરો જીપમાં પૂજા માટે હોકરા મંદિર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. જે જગ્યાએ અકસ્માત નડ્યો હતો તે રોડની હાલત બિસ્માર છે.