જામનગર શહેરમાં ડમ્પીંગ સાઈટ પર એકત્ર થયેલા દોઢ લાખ ટન જેટલા કચરાના નિકાલ માટે જામનગર મહાનગરપાલિકા રૂા.7.5 કરોડનો ખર્ચ કરશે. આ માટે સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા કચરાના નિકાલ માટે મૂકવામાં આવેલી દરખાસ્તને જામ્યુકોની સ્થાયી સમિતિમાં મંજૂરી આપવામાં આવી હતી.
ગ્રીન ટ્રીબ્યુનલની ગાઈડલાઈન મુજબ પ્રદૂષણ અટકાવવા માટે ઘન કચરાને સંપૂર્ણપણે રીસાઈકલ કરવાના ઉદેશ્ય સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી એકત્ર થયેલા દોઢ લાખ ટન કચરાના ગંજને પ્રોસેસ કરી સંપૂર્ણ ડમ્પીંગ સાઈટને કલીયર કરવામાં આવશે.
ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વોર્ડ નં.16 માં લાલખાણ મદીના મસ્જિદથી કિર્તી પાન ટીટોડીવાળી મેઈન કેનાલને જોડતી સ્ટોર્મ વોટર ડે્રનેજ અને આરસીસી કેનાલ બનાવવા માટેના રૂા.3.95 કરોડના ખર્ચને પણ બહાલી આપવામાં આવી હતી. વિધાનસભા ચૂંટણી પહેલાની આ અંતિમ સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 11.45 કરોડના આ બે કામોની મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, ઈન્ચાર્જ ડે. કમિશનર ભાવેશ જાની, ઈન્ચાર્જ આસી. કમિશનર કોમલબેન પટેલ તથા જુદાં-જુદાં વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.