રઝળતાં ઢોર મામલે હાઇકોર્ટની સતત ફટકાર અને ઢોર નિયંત્રણ માટે ચોકકસ પોલીસી તૈયાર કરવાના આદેશ બાદ જામનગર મહાપાલિકા દ્વારા સરકારની ગાઇડ લાઇન મુજબ શહેરમાં રઝળતાં પશુઓનો ત્રાસ અટકાવવા માટે પશુ નિયંત્રણ પોલીસી 2023 તૈયાર કરવામાં આવી છે. જેને મંજુરી માટે રાજય સરકારમાં મોકલવામાં આવશે.
ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં રઝળતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે તૈયાર કરવામાં આવેલી પશુ નિયંત્રણ પોલીસી કમિશનર દ્વારા રજુ કરવામાં આવી હતી. જામ્યુકોના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પોલિસીમાં શહેરમાં રઝળતા ઢોર રાખવાની જગ્યા ઢોરને ટેગ લગાવવા, ઢોર પકડવાની કામગીરી દરમ્યાન ખલેલ પહોંચાડનાર સામે આસામીઓ સામે પગલાં લેવા, ઘાસ વેચાણ અંગે લાયસન્સ લેવા, જાહેર રોડ ઉપર ઘાસ વેચાણ બંધ કરવા ઉપરાંત નો કેટલ ઝોનની અમલવારી તેમજ જપ્ત કરવામાં આવેલા ઢોર પશુ માલિકો દ્વારા છોડાવવામાં ન આવે તો તે તેમને પાંજરાપોળમાં મોકલી આપવા અંગેની જોગવાઇઓ આ પોલિસીમાં કરવામાં આવી છે. આ ઉપરાંત એનિમલ હેલ્પ લાઇન ચાલુ કરવા તેમજ નિયમો અને જોગવાઇઓનો ભંગ થાય તો ગુજરાત પોલીસ એકટ તેમજ ઢોર પ્રવેશ અધિનિયમ અંતર્ગત કયાં પ્રકારના પગલાં લેવા તે પણ આ પોલિસીમાં સ્પષ્ટ સૂચવવામાં આવ્યું છે. જામ્યુકો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પોલિસીને આજે સ્થાયી સમિતિએ મંજૂરી આપી આખરી મંજૂરી માટે રાજય સરકારને મોકલવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. રાજય સરકારની મંજૂરી બાદ આ પોલિસીની અમલવારી કરવામાં આવશે. અત્રે એે ઉલ્લેખનિય છે કે, શહેરી વિસ્તારોમાં રઝળતા ઢોરના આંતક અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજય સરકાર અને મહાનગર પાલિકાઓને સતત ફટકાર લગાવવામાં આવી રહી છે. તેમજ આ અંગે ચોકકસ પોલિસી નિર્ધારિત કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જેના અનુસંધાને આ પોલીસી તૈયાર કરવામાં આવી છે.
સ્થાયી સમિતિની બેકઠમાં પર્યાવરણ અને માનવ જીવન માટે નુકસાનકારક એવા કોનોકોપર્સના રોપા ઉછેરવા તેમજ તેના વાવેતર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોનોકોપર્સ પ્રજાતિના આ વૃક્ષના મૂળ જમીનમાં ઉંડે સુધી જાય છે અને ખૂબ જવિકાસ પામે છે. જેથી તે કેબલ, ડ્રેનેજ લાઇન તેમજ પાણીની લાઇનને નુકસાન પહોંચાડે છે. એટલુંજ નહીં જમીનમાંથી પુષ્કળ પ્રમાણમાં પણ પાણી શોષી લેવામાં આવે છે. લેન્ડ ડેવલોપર્સ દ્વારા મોટા પ્રમાણમાં આવા રોપાઓનું વાવેતર કરવામાં આવે છે કારણ કે, તે ખૂબજ ટુકાં સમયમાં ઘટાદાર બની જાય છે. અને શિયાળની ઋતુમાં તેમા આવતા ફુલોની પરાગરજ આજુબાજુના વિસ્તારમાં ફેલાય છે. જેને કારણે લોકોને શરદી, ઉધરસ, અથસ્મા એલર્જી, જેવી બિમારીઓ થવાની શકયતાઓ જોતા આવા રોપા ઉછેરવા પર પ્રતિબંધ મૂકતી દરખાસ્તે બહાલી આપવામા આવી છે. સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 3.92 કરોડના જુદા-જુદા વિકાસ કામોના ખર્ચને પણ બહાલી આપવામા આવી હતી. આ બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની તેમજ જુદા-જુદા વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. આ બેઠકમાં જામ્યુકોના નિવૃત્ત થયેલાં ચાર કર્મચારીઓ કમલશે માંડલીયા, રસિકભાઇ પરમાર, રામજીભાઇ પ્રેમજીભાઇ તથા હુશેનશા કરીમશાનું નિવૃતિ સન્માન કરવામાં આવ્યું હતું.