વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાનને હાર્દિક આવકાર સાથે સ્વાગત કરવા જામનગરના જામસાહેબ દ્વારા જામનગરની જનતાને અપીલ કરી છે.
જામસાહેબ દ્વારા જામનગરની જનતાને કરાયેલ અપીલમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જામનગર પધારી રહ્યા છે ત્યારે આપણે જામનગરની જનતાએ તેમને હાર્દિક રીતે આવકાર આપવો. સ્વતંત્ર ભારતે ઐતિહાસિકકાળમાં ઘણા વડાપ્રધાન જોયા છે પણ નરેન્દ્રભાઇની વડાપ્રધાન તરીકેની વિશેષતાએ માત્ર ભારતની જનતા જ નહીં વિશ્ર્વના તમામ દેશોને જેમ સૂરજ ચમકે તેમ ભારતની ચમકતી રોશની તરફ વળવા આકર્ષિત કર્યા છે. જીવનમાં જ્યારે એક વિરાટ વ્યક્તિત્વ કે જેણે પોતાના જીવનકાળમાં ગરીબી અનુભવી સમય અને સંજોગોની ભઠ્ઠીમાં અનુભવોના તાપથી ઉર્જા મેળવી, આકરી કસોટીઓમાંથી અનોખુ સોનુ બન્યા હોય ત્યારે આખી દુનિયાને આ તપસ્વીની સિધ્ધિઈનો પ્રસાદ મળે છે.
નરેન્દ્રભાઇના વડાપ્રધાન તરીકેના વહીવટના સમય દરમિયાન ગરીબ વસ્તીની મૂળભૂત જરૂરિયાતો જેવી કે, ચિકિત્સા, શિક્ષણ અને આવાસની સુવિધાઓ મેળવવા આયુષ્માન કાર્ડ દ્વારા 5 લાખ સુધીની સહાય, નબળા વર્ગ માટે આરટીઇ (રાઇટ ટુ એડ્યૂકેશન)ની યોજના, બેટી બચાઓ બેટી પઢાઓ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પોષણવાળા આહાર માટે મધ્યાહન ભોજન યોજના, શૌચાલયો નિર્માણ તેમજ દેશ આત્મનિર્ભર બને તે પ્રયાસોને વેગ આપવા સંરક્ષણ ક્ષેત્રે પણ હવે ભારતે વિવિધ સાધનો-શસ્ત્રો સ્વદેશ વિકસિત બનાવ્યા છે. નરેન્દ્રભાઇના આ બધા પ્રયાસોને લીધે આપણે તેમને ટેકો આપવો જોઇએ.