જામનગર જીલ્લામાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જામનગરની પ્રવર્તમાન સ્થિતિ અને આયોજન વિશે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય તેમજ જિલ્લા કલેક્ટર સૌરભ પારધી દ્વારા પણ સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ અને પૂર્વ તૈયારી અંગે ચર્ચા વિચારણા કરી હતી.
બ્રિજેશ મેરજાએ જામનગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, શહેર અને ગ્રામ્ય કક્ષાએ કેસોની વિસ્તારવાઇઝ સ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, કોરોના ટેસ્ટીંગ, વેક્સીનેશન, ડૉક્ટર, મેડીકલ સ્ટાફની ઉપલબ્ધતા, લોજીસ્ટીક, મેનપાવર, કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર, હોમ આઇસોલેશન, ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૮, દવાઓની જરૂરીયાતો અને ઉપલબ્ધતા, કોવિડ કેર સેન્ટર, દર્દીઓ માટે કોલ સેંટર સહિત વિવિધ આનુસાંગીક મુદ્દાઓ જરૂરિયાતો તેમજ આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
આગામી સમયમાં તાલુકા દીઠ એક ક્લાસ વન અધિકારીને નોડલ તરીકે નિમણૂંક કરી ગ્રામ્ય સ્તરે પણ વધુ મજબૂત આરોગ્ય સેવાઓ અને કોરોના સંક્રમણની અટકાયત કામગીરી કરવામાં આવનાર છે. બ્રિજેશ મેરજાએ જામનગર જિલ્લાના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેરને હળવાશથી ન લેવા અને માસ્ક, સોશિયલ ડિસ્ટંસ અને સેનિટાઇઝેશનનો ખાસ ખ્યાલ રાખવા અનુરોધ કર્યો હતો સાથે જ લોકોને કોરોનાના લક્ષણો જણાતા તત્કાલ ટેસ્ટ કરાવવા અને પૂરતી તકેદારી રાખવા અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ કમિશનર વિજય ખરાડી, અધિક નિવાસી કલેકટર મિતેશ પંડ્યા, ડીઆરડીએ નિયામક રાયજાદા, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડિન નંદિની દેસાઇ, જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક દિપક તિવારી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, એમઓએચ જે.એમ.સી સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.