Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરએક દિવસના વરસાદથી જામનગર બેહાલ

એક દિવસના વરસાદથી જામનગર બેહાલ

મોહનનગર, નારાયણનગર, ગુલાબનગર તથા નગર સીમનો આખો વિસ્તાર પાણીમાં : 24 કલાક બાદ પણ નથી ઓસર્યા પાણી : એક દિવસના વરસાદે ખોલી નાખી પોલ

- Advertisement -

માત્ર એક દિવસના વરસાદે જામનગર શહેરની હાલત કફોડી બનાવી દીધી છે. ગુરૂવાર મધ્ય રાત્રિ બાદ શરૂ થયેલા ધોધમાર વરસાદે માત્ર 18 કલાકમાં શહેરની પ્રિ-મોન્સુન કામગીરી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની પોલ ખોલીને રાખી દીધી છે. સાંબેલાધાર વરસાદને પરિણામે શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા.
લોકોના મકાનોમાં કલાકો સુધી વરસાદી પાણી ભરાયેલા રહેતા ભારે નુકસાની ભોગવવી પડી છે. ખાસ કરીને શહેરના નવાગામ ઘેડ, રામેશ્ર્વરનગર ઉપરાંત બહારના નવા વિકસી રહેલાં વિસ્તારો તેમજ ગુલાબનગર, નારાયણનગર, મોહનનગર, નંદનવન સોસાયટીથી માંડીને લાલપુર ચોકડી સુધીના વિસ્તારો જળમગ્ન બની ગયા હતા. લોકોના ઘરોમાં બબ્બે-બબ્બે, ત્રણ-ત્રણ ફુટ પાણી ભરાઇ ગયા હતા. જામનગર શહેરમાં ગઇકાલે વરસેલા સાંબેલાધાર વરસાદને કારણે શહેરના નિચાણવાળા વિસ્તારો ઉપરાંત વાલકેશ્ર્વરી, સ્વસ્તિક સોસાયટી જેવા પોશ વિસ્તારોમાં પણ ગોઠણબુડ પાણી ભરાઇ ગયા હતા. વરસાદી પાણી પોશ વિસ્તારના બંગલાઓમાં પણ ઘુસી ગયા હતા. 18 કલાકના વરસાદે જામ્યુકોના તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી હતી. દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીના નામે લાખો-કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. વરસાદી પાણીના નિકાલની યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ જયારે ધોધમાર વરસાદ વરસે છે ત્યારે બધી યોજનાઓ અને આયોજનો પાણીમાં તરતા હોય તેવી સ્થિતિનું નિર્માણ પામે છે. ગઇકાલે પણ શહેરમાં આવી સ્થિતિનું જ નિર્માણ થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular