જાનમનગર શહેરમાં ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થવાના બનાવો બનતા હોય છે.
ખાસ કરીને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા ચલાવવામાં આવતી દાદાગીરી અને જો હુકમીના બનાવો અવાર-નવાર બનતા હોય છે. ટ્રાફિક બ્રિગેડના જવાનો નાગરિકો ઉપર રોફ જમાવતા હોય છે. અને વાહનોના કાગડો ચકાસવાના નામે હેરાન પરેશાન કરતા હોવાના બનાવો અનેક વખત સામે આવ્યા છે. ત્યારે જામનગરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં જામનગરના ટ્રાફિક જવાને એક નાગરિકને ફડાકો ઝિંકયાનો વિડીયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે.
જામનગર ટ્રાફિક પોલીસને મદદરૂપ થાય તે માટે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવી છે. પરંતુ આ ટ્રાફિક બ્રિગેડના જવાનો ટ્રાફિક પોલીસને મદદરૂપ થવાની સાથે ખુદ પોતે કોઇ મોટા ટ્રાફિક પોલીસ અધિકારી હોય તેમ શહેરના નાગરિકો ઉપર રોફ જમાવતા હોય છે. શહેરના વિવિધ મુખ્યમાર્ગો પર ટ્રાફિક પોઇન્ટ ખાતે ફરજ બજાવતાં ટ્રાફિક બ્રિગેડના જવાનો કાતો મોબાઇલમાં અને કા તો વાતો ના વડા કરવામાં વ્યસ્ત હોય છે. અથવા તો શહેરના નાગરિકો ઉપર રોફ જમાવતા હોય છે.
આ ટ્રાફિક બ્રિગેડના જવાનો શહેરના નાગરિકો પાસેથી રોફ જમાવી લાયસન્સ સહિતના કાગળો ચકાસવા માંગતા હોય છે. તેમજ આવી બાબતોને કારણે અનેક વખત રકઝક થવાના બનાવો બનતા હોય છે. આવો જ એક બનાવ જામનગર શહેરના નાગનાથ ચોકડી નજીક સામે આવ્યો છે. જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં એક ટ્રાફિક બ્રિગેડના જવાને વિકલાંગ વાહન ચાલકને ઉશ્કેરાઇ જઇ ફડાકો જીકી પોતાનો રૂવાબ બતાડયો હતો. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં લોકોના ટોળા એકઠાં થયા હતાં અને આ ઘટનાનો વિડીયો હાલમાં સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. આ અંગે મળતી માહિતી અનુસાર આ ટ્રાફિક બ્રિગેડના જવાનનું નામ દશરથસિંહ જાડેજા હોવાનું સોશ્યલ મિડીયમાં મેસેજમાં ફરી રહ્યું છે.