ખંભાળિયાના પ્રાંત અધિકારી તથા જિલ્લાના ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પાર્થ કોટડીયા દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત સરકારી એવા વ્યાજબી ભાવના અનાજનો તોતિંગ જથ્થો મળી આવ્યો હતો. જે સંદર્ભે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા ભાણવડના મામલતદાર દક્ષાબેન રિંડાણી દ્વારા ભાણવડ પંથકમાં ડોર ટુ ડોર સપ્લાયનું વ્યાજબી ભાવની દુકાનનોનું અનાજ ગેરકાયદેસર વેચાણા અર્થે લઈ જતા કરવામાં આવેલી કાર્યવાહીમાં 37 હજાર કિલોગ્રામ ચોખા તથા ઘઉં મળી કુલ રૂા.16 લાખથી વધુની કિંમતનો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો.
આ પ્રકરણમાં વાહન ચાલક સાથે રાજુભાઈ ચેતરીયા અને મુકેશભાઈ દુધરેજીયા નામના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જિલ્લામાં અતિ ચકચારી બની ગયેલા આ પ્રકરણમાં ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.એચ. જોશી દ્વારા આ પ્રકરણમાં ઊંડી તપાસ કરવામાં આવતા આ પ્રકરણમાં સસ્તા અનાજની ગેરકાયદેસર રીતે ખરીદી કરવા સબબ જામનગરના વેપારી નયન સુરેશભાઈ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં આ શખ્સ દ્વારા અગાઉ પણ આ પ્રકારે અનાજનો જથ્થો ખરીદ કર્યાનું કબૂલ્યું હતું. આ બાબતે પુરવઠા અધિકારીને પણ પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી.