Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજામનગરવાસીઓ નથી ઘરમાં સલામત કે નથી બહાર - CCTV

જામનગરવાસીઓ નથી ઘરમાં સલામત કે નથી બહાર – CCTV

52 દિગ્વીજય પ્લોટમાં મહિલા ઉપર ગાયનો જીવલેણ હુમલો : અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાઈ : ચાર દિવસ પહેલાં 46 દિગ્વીજય પ્લોટમાં ગાયે બાળકીને ઢીકે ચડાવી

- Advertisement -

ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં અબોલ પશુઓનો ત્રાસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આ અબોલ પશુને કારણે અકસ્માતોની ઘટનાઓમાં લોકોનો ભોગ લેવાય છે અને છેલ્લાં થોડા સમયથી તો અબોલ પશુઓ દ્વારા લોકોને ટાર્ગેટ બનાવી જીવલેણ હુમલો કરવાની ઘટનાઓ વધતી જાય છે. સોમવારે શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં સાંજના સમયે મહિલા અને બાળક જતા હતાં ત્યારે ગાયએ મહિલા ઉપર જીવલેણ હુમલો કરતા ગંભીર હાલતમાં અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

- Advertisement -

જામનગર શહેરમાં એક પછી એક બનતી ઘટનાઓ અને દુર્ઘટનાઓમાં લોકો ઘરમાં પણ સલામત નથી અને બહાર પણ સલામત નથી તેવી પરિસ્થિતિ સર્જાય છે. શુક્રવારે સાંજના સમયે શહેરના સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી થયાની ઘટનામાં આઠ લોકો ઘવાયા હતાં જે પૈકીના એક જ પરિવારના ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યા હતાં. જો કે, ઘટના બાદ તંત્ર એકશનમાં આવી ગયું હતું અને યુદ્ધના ધોરણે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે બીજી તરફ શહેરના મુખ્ય રાજમાર્ગો અને અંદરના વિસ્તારોમાં પણ અવા-નવાર રખડતા પશુઓ લોકોને નિશાન બનાવી જીવલેણ હુમલો કરવાની ઘટનાઓ પણ શહેરમાં સામાન્ય બનતી જાય છે. ઉપરાંત વાહનો સાથે પશુઓ અથડાતા અકસ્માતની ઘટનાઓમાં પણ લોકોના મોત નિપજે છે ત્યારે જામનગર શહેરમાં લોકો ઘરમાં પણ સલામત નથી અને બહાર રોડ પર પણ સલામત નથી તેવી સ્થિતિ સર્જાય છે.

- Advertisement -

બીજી તરફ સોમવારે સાંજના સમયે શહેરના દિગ્વીજય પ્લોટ 52 વિસ્તારમાં એક વિદ્યાબેન ચિરાગ શેઠીયા નામની મહિલા બાળક સાથે ચાલીને તેના ઘર તરફ જતી હતી. ત્યારે સામેથી દોડતી આવતી ગાયએ મહિલાને ઢીકે ચડાવી જીવલેણ હુમલો કર્યો હતો. જેથી મહિલાએ બાળકને બચાવી લીધો હતો અને બાળકને એક મહિલાએ તેના ઘરમાં લઇ ગઇ હતી. પરંતુ પોતે ગાયના હુમલાનો ભોગ બની હતી. જો કે, તે સમયે આ શેરીમાં રહેલી અન્ય એક મહિલા તથા એક વ્યક્તિએ ગાયને હુમલો કરતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાયએ મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ ગાય જતી રહી હતી. ગાય દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલી મહિલાને સારવાર માટે ઓશવાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેની હાલત વધુ નાજુક જણાતા તેને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવથી શહેરીજનોમાં વધુ ફફડાટ ફેલાઈ ગયો છે.

આવી ઘટનાઓ શહેરમાં આમ તો રોજબરોજ બનતી હોય છે પરંતુ સામાન્ય ઈજા થવાની ઘટનાઓ બહાર આવતી નથી. ઉપરાંત ચાર દિવસ પહેલાં દિગ્વીજય પ્લોટ શેરી નં.46 માં રહેતી બાળકી તેના ઘરેથી શાળાએ જતી હતી તે દરમિયાન પ્રાથમિક શાળા નજીક એક ગાયએ બાળકીને ઢીકે ચડાવી ઈજા પહોંચાડી હતી. આવી ઘટનાઓ શહેરમાં અવાર-નવાર બનતી રહે છે. પરંતુ, તંત્ર કે સરકાર આવી ઘટનાઓ અટકાવવા માટે કાયમી આયોજન કે પગલાંઓ લેતું નથી. જેના કારણે શહેરીજનો આવી ઘટના અને દુર્ઘટનાઓનો ભોગ બનતા હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular