Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના પોલીસકર્મી ઉપર ભ્રષ્ટાચારના આરોપ બાદ સસ્પેન્ડ

જામનગરના પોલીસકર્મી ઉપર ભ્રષ્ટાચારના આરોપ બાદ સસ્પેન્ડ

તપાસના અંતે પોલીસવડા દ્વારા કડક પગલાં : સિટી બી ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ઉપર કાર્યવાહી

- Advertisement -

જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સામે ભ્રષ્ટાચારના આરોપ પછી જિલ્લા પોલીસવડા દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સિટી એ ડીવીઝનના બે પોલીસ કર્મચારીઓની તાકીદે બદલી કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈની બદલી કરાઇ છે ઉપરાંત અન્ય પાંચ પીએસઆઈની પણ ફેરબદલીના હુકમો થયા છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર સિટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ ભીખુભાઈ ઝાલાની સામે ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ પછી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સિટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણકુમાર ભીખાલાલ પરમાર તેમજ પોલીસ ડ્રાઈવર શૈલેન્દ્રસિંહ ભીખુભા જાડેજા બન્નેની પોલીસ હેડ કવાર્ટર અને એમટી સેકશનમાં બદલી કરવામાં આવી છે.

તેમજ જોડિયા પંથકમાં તાજેતરમાં વિજિલન્સની ટીમ ત્રાટકી અને મોટા પાયે ખનિજ ચોરી પકડી પાડી હતી જેથી પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જોડિયાના પીએસઆઈ ડી.પી. ચુડાસમાની પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના અન્ય પાંચ પીએસઆઈની ફેરબદલી કરાઈ છે. જેમાં ધ્રોલના પીએસઆઈ એમ.એન. જાડેજાની સિટી બી ડિવિઝનમાં અને પીએસઆઈ યુ.કે. જાદવને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં તથા કાલાવડના પીએસઆઇ વાય.આર. જોશીની શેઠવડાળા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે. જ્યારે શેઠવડાળાના પીએસઆઈ કે.વી. ઝાલાની પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં બદલી કરાઇ છે. પંચકોશી એ ડિવિઝનના પીએસઆઇ એમ.આર. સવસેટાને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular