જામનગર શહેરમાં નવરાત્રી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવની સૂચનાઓ હેઠળ, જામનગર જિલ્લા પોલીસ અધિરીક્ષક ડો. રવિમોહન સૈની તથા એએસપી પ્રતિભાના માર્ગદર્શન મુજબ પંચકોષી વિસ્તાર સહિત શહેરના મુખ્ય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓને વધુ કડક બનાવવામાં આવી છે.
પંચકોષી બી-ડિવિઝન પીઆઈ વિરેન રાઠોડ તથા તેમની ટીમ દ્વારા લાલપુર બાયપાસ ચોકડી ખાતે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. શહેરના પ્રવેશદ્વારો અને ચેકપોસ્ટ પર રાઉન્ડ-ધ-કલોક પોલીસ તૈનાત રાખવામાં આવી છે, જેથી બહારથી આવતા વાહનો પર ચાંપતી નજર રાખી શકાય. ખાસ કરીને રાત્રિના સમયે વધારાની સતર્કતા અપનાવીને કેફી દ્રવ્યોનું સેવન કરનાર, નશીલા પદાર્થો સાથે પકડાયેલા કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.
ટ્રાફિક નિયંત્રણ માટે પણ વિશેષ આયોજન કરાયું છે. ઓવરસ્પીડમાં વાહન હંકારનાર, કાળા કાચવાળી કાર ચલાવનાર તથા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ, ટ્રાફિકનું સુચારૂ સંચાલન રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવશે.
નવરાત્રી દરમિયાન સોશિયલ મીડિયા પર પણ પોલીસની નજર રહેશે. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવી પોસ્ટ કે મેસેજ વાયરલ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. જામનગર પોલીસ નાગરિકોને અપીલ કરે છે કે તેઓ નવરાત્રી પર્વને આનંદમય અને શાંતિપૂર્ણ બનાવવા કાયદા અને નિયમોનું પાલન કરે તેમજ પોલીસ તંત્રને સહકાર આપે.


