સુરતમાં ધાડ-લૂંટના કેસમાં છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતાં ચડ્ડી-બનિયાનધારી ગેંગના મુખ્ય સૂત્રધાર અને રૂા. 30 હજારના વોન્ટેડ ઇનામી આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે વડોદરાથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ સુરતના 84 તાલુકાના ખડવાસા ગામે વર્ષ 2012માં કુખ્યાત ચડ્ડી-બનિયાધારી ગેંગના સભ્યોએ મોડી રાત્રીના લૂંટના ઇરાદાથી ધાડ પાડી ગ્રામજનોને બાનમાં લીધા હતાં અને પથ્થરોના છૂટા ઘા કરી તેમજ લાકડાના ફટકાઓ મારી રોકડ તથા સોનાના દાગીના મળી ઘરમાંથી રૂા. 4,65,000ની લૂંટ ચલાવી હતી તથા વર્ષ 2014માં સચિન વિસ્તારમાં લૂંટ કરવાના ઇરાદે ધાડ પાડી રૂા. 36 હજારની લૂંટ કરી હતી. આ ચડ્ડી-બનિયાનધારી ગેંગના મુખ્ય આરોપી છેલ્લા 11 વર્ષથી પોલીસને થાપ આપી નાસતો-ફરતો હતો અને સુરત પોલીસ દ્વારા તેના ઉપર રૂા. 30,000નું ઈનામ પણ જાહેર કરાયું હતું.
સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધાડના ગુનાના આરોપી દશરીયા ઉર્ફે ધારીયો નાનટા રાઠવા નામનો શખ્સ છેલ્લા 11 વર્ષથી નાસતો-ફરતો હોય અને હાલમાં વડોદરા જિલ્લામાં સિનોર તાલુકાના ગરાડી ગામે હોવાની જામનગર પેરોલ ફર્લો સ્કવોડને ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર, કાસમભાઇ બ્લોચ તથા અરવિંદગીરી ગોસાઇને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરી તથા પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જે. મિયાત્રા તથા એએસઆઈ ગોવિંદભાઈ ભરવાડ તથા હેકો લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમ નોયડા, કાસમ બ્લોચ, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, તથા પો.કો. મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદભાઈ ગોસાઈ, નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન વડોદરાના સિનોર તાલુકાના ગરાડી ગામ ખાતેથી વોન્ટેડ ઇનામી આરોપી દશરીયા ઉર્ફે ધારીયો નાનટા રાઠવા નામના શખ્સને ઝડપી લીધો હતો અને સિનોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.


