વડોદરા ખાતે રાજમહેલ રોડ પરના મોતીબાગ ક્રિકેટ મેદાનમાં રમાઈ રહેલા ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 મેયર કપના ફાઈનલમાં જામનગર મેયરની ટીમે 20 ઓવરમાં 212 રન બનાવ્યાં હતાં. જેના જવાબમાં વડોદરા મેયરની ટીમે માત્ર 161 રન જ બનાવી શકતા જામનગર મેયર ઈલેવનનો 51 રને ભવ્ય વિજય થયો હતો. આ ચેમ્પિયન વેળાએ હાલારના સાંસદ, જામનગરના મેયર, કૃષિમંત્રી, ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજ્યમાં દર વર્ષે મહાનગરપાલિકાઓના મેયરની ટીમો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં જુદા જુદા શહેરોમાં આયોજન થાય છે. આ વર્ષે મેયર કપ ટૂર્નામેન્ટનુંઅ આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મંગળવારે જામનગર મેયર અને વડોદરા મેયર ઇલેવન વચ્ચેના ફાઈનલ મેચમાં જામનગરની ટીમે પ્રથમ દાવમાં 20 ઓવરમાં નવ વિકેટના ભોગે 212 રન બનાવ્યા હતાં જેમાં કેતન નાખવાના શાનદાર 35 દડામાં 69 રન તથા ધારાસભ્ય દિવ્યેશ અકબરીના 45 દડામાં 57 રનનું મહત્વનું યોગદાન રહ્યું હતું. 212 રનના ટાર્ગેટનો પીછો કરતી વડોદરા મેયર ઈલેવન 20 ઓવરમાં 8 વિકેટના ભોગે માત્ર 161 રન જ બનાવી શકી હતી. જેથી જામનગર મેયર ઇલેવનનો 51 રને શાનદાર વિજય થયો હતો.
જામનગરની મેયર ઈલેવનને પ્રોત્સાહિત કરવા માટે હાલારના સાંસદ પૂનમેબન માડમ, મેયર બીનાબેન કોઠારી, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મેયર અને પવનહંસના ડાયરેકટર અમીબેન પરીખ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને જામનગરની ટીમનો જુસ્સો વધાર્યો હતો. તેના પરિણામ રૂપે મેયર કપનું ચેમ્પિયન જામનગર બન્યું હતું. આ મેચમાં મેન ઓફ ધ મેચ કોર્પોરેટર કેતન નાખવા બન્યાં હતાં. મેયર કપ વિજેતા જામનગરની ટીમે જીતની ખુશાલી ડાન્સ કરીને ઉજવી હતી. વિજેતા ટીમને જામનગરના હોદ્ેદારો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં તેમજ હાલમાં જ ભારતીય ક્રિકેટર સલીમ દુરાનીના નિધન બાદ વિજેતા બનેલી જામનગર મેયર ઇલેવને આ મેયર કપ સ્વ. સલીમ દુરાનીને અર્પણ કર્યો હતો. વિજેતા ટીમને ભાજપા શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા, કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ ચેરમેન મનિષ કટારીયા, ડે. મેયર તપન પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતન ગોસરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન મનિષ કનખરા, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા, પૂર્વ મેયર અમીબેન પરીખ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, તથા શહેર સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખ તથા પદાધિકારીઓ, શિક્ષણ સમિતિ, કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ, વોર્ડ પ્રભારી, વોર્ડ સમિતિ, પેઈઝ પ્રમુખ, તથા કાર્યકર્તાઓ દ્વારા મેયર કપ ચેમ્પિયન જામનગર મેયર ઇલેવનને અભિનંદન પાઠવવામાં આવ્યા હોવાનું મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવ્યું હતું.