ગુજરામાં કોરોનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે, જેને કારણે એક્ટિવ કેસો હવે ફક્ત 151 જ રહ્યા છે. આ સાથે રાજ્યના 18 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. જામનગરવાસીઓ માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. જામનગર શહેરમાં હાલ કોરોનાનો એક પણ એક્ટીવ કેસ નથી. જીજી હોસ્પિટલ પણ દોઢ વર્ષ બાદ કોરોનામુક્ત થઇ છે. જેના પરિણામે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના કોવિડ વોર્ડને તાળા લાગ્યા છે. કોવિડ વોર્ડમાં હાલ એક પણ દર્દી સારવાર હેઠળ નથી. કોવિડ વોર્ડમાં બે વિદેશી નાગરિક સારવાર લઇ રહ્યા હતા. જેને ડીસ્ચાર્જ કરવામાં આવતા વોર્ડ ખાલી થયો છે. હાલ જામનગર શહેરમાં પણ કોરોનાનો એકપણ એક્ટીવ કેસ નથી તેમ એમપી શાહ મેડીકલ કોલેજના ડીન નંદીની દેસાઈએ જણાવ્યું છે.
જામનગર કોરોનાના ભરડામાંથી મુક્ત થતા તંત્ર અને શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જામનગરમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 5અપ્રિલ 2020ના રોજ નોંધાયો હતો. ત્યારબાદ જામનગર સહીત રાજ્યભરમાં કોવિડના કેસો સતત વધી રહ્યા હતા. અને બીજી લહેરમાં જીજી કોવિડ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગી હતી. પરંતુ ધીમે ધીમે સંક્રમણ ઘટવા લાગ્યું અને દોઢ વર્ષ બાદ જામનગર કોરોનામુક્ત થયું છે. છતાં પણ લોકોએ વધુ સાવચેત રહેવાની તેમજ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. આ ઉપરાંત જામનગર શહેરમાં વેક્સીનેશનની ઝડપી પ્રક્રિયાના લીધે જામનગર હર્ડ ઇમ્યુનિટીના તરે પહોચી ગયું છે.