વાંકાનેર તથા ગુજરાતના છેવાડે આવેલા મીનાક્યાર ગામના સરપંચની લાંબા સમયથી વાંકાનેરથી મધ્ય પ્રદેશ બોર્ડર પર આવેલા મિનાક્યાર ગામની બસ સેવા શરૂ કરવા માંગણી કરવામાં આવી હતી. જેને પગલે વાંકાનેર ડેપો મેનેજર તથા કર્મચારી મંડળના પ્રમુખ સહિતના અધિકારીઓ દ્વારા વિભાગીય નિયામક તથા ડી.ટી.ઓ.ને લોકમાંગની રજૂઆત કરતા આ રૂટની બસ સેવા શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી જેના લીધે યાત્રિકોની લાંબા સમયની માગણીનો ઉકેલ આવ્યો હતો. અને એમપીના મીનાક્યાર જવા સુધી સીધી બસ મળી રહેશે.
આ બસનો રૂટ વાંકાનેરથી જામનગર જવા બપોરે બે વાગ્યે ઉપડશે તથા જામનગરથી મીનાકયાર રૂટ પર જવા સાંજે સાડા પાંચ વાગ્યે ઉપડશે, જે વાયા મોરબી, ધાંગધ્રા, સાણંદ, ડાકોર, ગોધરા, દાહોદથી મિનાકયાર ગામ પહોંચશે. આ બસ સેવા પરત આવવા માટે તે જ રૂટ પર સાંજે સાડા છ વાગ્યે ઉપડશે અને જામનગર આવી સવારે પોણા સાત વાગ્યે વાંકાનેર આવવા નીકળશે. આ બસ સેવાથી વાંકાનેરની પ્રજાને જામનગર જવા માટે સુધી સેવાનો લાભ મળશે તેમજ મીનાક્યાર, દાહોદ, ગોધરા તેમજ એમ.પી.થી મોરબી જામનગર આવવા માટેની સવલત મળશે.
નવા રૂટની બસ સેવા શરૂ કરતાં પહેલાં સોમવારે બપોરે બે વાગ્યે બસને શણગારવામાં આવી હતી અને ડેપો મેનેજર કવિતા ભટ્ટ દ્વારા મુહૂર્ત રૂપે શ્રીફળ વધેરી પૂજા કરી હતી જ્યારે કર્મચારી મંડળના પ્રમુખ જયુભા જાડેજાએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રસ્થાન સમયે વાંકાનેર ડેપોના ટી.આઇ. ભરતસિંહ જાડેજા , એ ટી.આઇ. મહેબુબભાઇ લાહેજી, જનકસિંહ ઝાલા, બાદિભાઈ, વર્કશોપના મહાવીરસિંહ ઝાલા તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.