રાજકોટના કરણપરામાં આવેલી નોવા હોટલમાં ગઇકાલે રાતે પ્રેમિકાની હત્યા નિપજાવી પ્રેમીએ એસિડ પી લેતા ચકચાર મચી ગઇ છે. પોલીસે યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવતી જામનગરની અને યુવાન કચ્છનો હોવાનું ખૂલ્યું છે. યુવાને પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો દઇ યુવતીને પતાવી દીધાનું સામે આવ્યું છે.
હત્યાની વિગત મુજબ જામનગરની યુવતી અને કચ્છનો યુવાન જેમિસ ધનરાજભાઈ દેવાયતા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે. એસીપી જી.એસ. ગેડમે આ અંગે જણાવ્યું હતું કે જેમિસે યુવતીના ગળે પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કર્યાનું પ્રાથમિક તારણ છે. જેમિસ અને યુવતી ગઇકાલે સવારે 9 વાગ્યે નોવા હોટલના 301 નંબરના રૂમમાં રોકાયાં હતાં. જેમિસે યુવતીની હત્યા અને પોતે એસિડ પીતાં પહેલાં પરિવારને જાણ કરી હતી. જેમિસ હોટલમાં એસિડ કેવી રીતે લઇ ગયો એની તપાસ કરવામાં આવશે. હાલ બંનેના ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને ફોનમાંથી પોલીસને રેકોર્ડિંગ મળ્યા છે. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે ગઇકાલે સવારથી જ મારી દીકરીનો ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતાં અમે ફોન કર્યો હતો. ફોન કરતાં જેમિસે મારી દીકરીની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું એવું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે પ્રેમસંબંધ હોય એવી કોઈ દિવસ અમને જાણ કરી નહોતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ હતી પણ આવી કોઈ વાત અમારા ધ્યાનમાં આવી નથી. અમારી દીકરીની હત્યારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
જેમિસને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. યુવતીએ પણ પોતાની માતાને ફોન કરી મદદ માગી હતી, પરંતુ માતા-પિતા જામનગરથી રાજકોટ પહોંચે એ પહેલાં જેમિસે તેની હત્યા કરી નાખી હતી. હોટલના બાથરૂમમાં લોહીનાં નિશાન અને એક જીન્સનું પેન્ટ મળી આવ્યું છે તેમજ જેમિસ એસિડ પ્લાસ્ટિકની કોથળીમાં લાવ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે.
હોટલમાં ઘૂસવા માટે જેમિસે યુવતીના આધારકાર્ડમાં છેડછાડ કર્યાનું પણ સામે આવ્યું છે. યુવતીના ઓરિજિનલ આધારકાર્ડમાં જન્મ 2005ના વર્ષમાં બતાવે છે, જ્યારે હોટલને ઝેરોક્સની નકલ આપી તેમાં જન્મનું વર્ષ 2003 બતાવે છે. હોટલમાં આપેલી ઝેરોક્સ નકલ પ્રમાણે યુવતીની ઉંમર 19 વર્ષ અને ઓરિજિનલ આધારકાર્ડમાં ઉંમર 17 વર્ષ થાય છે, આથી તરૂણીને હોટલમાં લાવવા માટે જેમિસે આધારકાર્ડની ઝેરોક્ષમાં છેડછાડ કરાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પોલીસે આધારકાર્ડમાં છેડછાડ ક્યાંથી થઈ અને કોણે કરી એ તપાસ હાથ ધરી છે.