જામનગર જિલ્લા જેલમાં આરોપીની ગેરકાયદેસર મુલાકાત કાંડને લઇ જિલ્લા જેલ અધિક્ષકની તપાસના અંતે ગૃહ વિભાગ દ્વારા તાકીદની અસરથી રાજપીપળા ખાતે બદલી કરી નાખવામાં આવી છે. અને હાલમાં તેમની જગ્યાએ પાલનપુરથી વી પી ગોહિલને મુકવામાં આવ્યા છે. તેમજ જેલરની પણ બદલી કરી નાખવામાં આવી છે.
ગત તા.31-1-2025 ના રોજ જામનગર જિલ્લ જેલમાં ત્રણ શખ્સોએ પ્રવેશ કરી બે કેદીઓ સાથે મુલાકાત કરી હોવાની ઘટના સામે આવી હતી. આ અંગેની માહિતી મળતા જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તપાસ શરૂ કરી હતી અને જેલના સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસ્યા હતાં. જેમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા, રાજકોટના ભૂપત ભરવાડ સહિત ત્રણ શખ્સો જેલમાં પ્રવેશતા જોવા મળ્યા હતાં.અને જેલરની ચેમ્બરમાં રજાક અને યશપાલસિંહ સાથે મુલાકાત કરી હતી. આ ગેરકાયદેસર મુલાકાતમાં જીલ્લા પોલીસવડાએ રિપોર્ટ રાજ્યના ગૃહવિભાગને મોકલ્યો હતો.
જેના આધારે જામનગર જિલ્લા જેલના અધિક્ષક એમ.એન. જાડેજાની રાજપીપળા ખાતે બદલી કરીનાખવામાં આવી છે. આ ઉપરાંત આ ઘટનામાં અન્ય જેલ કર્મચારી દિવ્યરાજસિંહ જાડેજા પણ સંડોવાયેલ હોવાનું તપાસમાં સામે આવતા તેની પણ બદલી કરી નાખવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં હજુપણ આકરા પગલાં લેવાઈ શકે છે. આ ઘટનામાં મુલાકાત માટે ગયેલા ત્રણ વ્યક્તિઓને જેલનો એક કર્મચારી બહાર સુધી લેવા માટે આવ્યો હતો અને કોઇપણ પ્રકારની રજીસ્ટરમાં નોંધ કર્યા વગર જેલની અંદર લઇ જવાયા હતાં. જેલરે ગેરકાયદેસર રીતે બંને કેદીઓને બેરેકમાંથી બહાર કાઢી મુલાકાત કરાવી હતી.
આ સમગ્ર ઘટનામાં જિલ્લા જેલ અધિક્ષક એમ.એન. જાડેજા બચવા માટે રાજ્યના જેલ વડાને પત્ર લખી ખુલાસો કર્યો હતો કે, અનિરૂધ્ધસિંહ જાડેજા અને ભૂપત ભરવાડ રકતદાન કેમ્પનું આમંત્રણ આપવા માટે આવ્યા હતા. આ મુદ્દો પોલીસ વિભાગમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. જિલ્લા પોલીસવડા એ સમગ્ર ઘટનાની તપાસ કરી રિપોર્ટ ગૃહ વિભાગને મોકલ્યો હતો. જેના આધારે ગૃહ વિભાગ દ્વારા જેલ અધિક્ષકની રાજપીપળા ખાતે અને જેલરની મોરબી ખાતે બદલી કરી હતી. હાલ જામનગરની જિલ્લા જેલના અધિક્ષક તરીકે પાલનપુરથી વી પી ગોહિલને મુકવામાં આવ્યા છે.


