પોરબંદરમાંથી ખૂંખાર આતંકી સંગઠન આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ એટીએસ દ્વારા કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એટીએએસે સુરતની એક મહિલા સહિત ચાર લોકોની પોરબંદરમાંથી ધરપકડ કરી છે જ્યારે આ કાંડમાં સામેલ એક શખ્સને પકડવા માટે દરોડા કાર્યવાહી શરૂ કરી છે. એટીએસના જણાવ્યા પ્રમાણે આ મામલે સુરતની સુમેરા નામની એક મહિલા સહિત ચારને પકડવામાં આવ્યા છે. આ ચારેય આઈએસઆઈએસના સક્રિય ગ્રુપના સભ્યો છે. દરોડા દરમિયાન ગુજરાત અટીએસને અનેક પ્રતિબંધિત સામગ્રીઓ મળી છે. આ ચારેય લોકો આઈએસઆઈએસ સાથે જોડાયા બાદ નેપાળ અથવા બાંગ્લાદેશથી થઈને સીરિયા ભાગી જવાની ફિરાકમાં હતા. જો કે તે પહેલાં ગુજરાત અથવા તો ભારતમાં કોઈ સ્થળે મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનો પણ તેમનો ઈરાદો હોવાની શક્યતા સેવાઈ રહી છે. આ ચારેય લોકો છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમને સીમા પારથી આકાઓ દ્વારા અંગૂલીનિર્દેશ અપાઈ રહ્યા હતા.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં ત્રણ લોકોને પકડીને આઈએસ સાથે જોડાયેલા એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. તપાસ એજન્સી એનઆઈએએ મધ્યપ્રદેશ પોલીસની એટીએસ અને ગુપ્તચર વિભાગના નેતૃત્વમાં એક સંયુક્ત અભિયાન જબલપુરમાં 13 સ્થળે દરોડા કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ત્રણ લોકોને પકડવામાં આવ્યા હતા જેમાં સૈયદ મમૂર અલી, મોહમ્મદ આદિલ ખાન અને મોહમ્મદ શાહિદનો સમાવેશ થાય છે.
એનઆઈએએ દરોડા દરમિયાન આ લોકોના કબજામાંથી ધારદાર હથિયાર, દારૂગોળો, વાંધાજનક દસ્તાવેજો અને ડિઝિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા.
એનઆઈએએ 24 મેએ ખાનની આઈએસ સમર્થક ગતિવિધિઓની તપાસ દરમિયાન ગુનો નોંધ્યો હતો જે પાછલા વર્ષે ઑગસ્ટમાં ધ્યાન પર આવ્યું હતું. એનઆઈએને માલૂમ પડ્યું હતું કે આ લોકો આઈએસના ઈશારે ભારતમાં આતંકી હુમલો કરવા માટે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. આ મોડ્યુલ સ્થાનિક મસ્જીદો અને ઘરમાં બેસીને ચાલી રહ્યું છે અને દેશમાં આતંક ફેલાવવાનું કાવતરૂં રચે છે.
એટીએસના અધિકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરતની સુમેરા સહિત ચાર લોકો આઈએસમાં જોડાવા માટે સીરિયા ભાગી જવાના પ્લાનિંગમાં હતા. આ માટે ચારેય બાંગ્લાદેશ અથવા નેપાળ થઈને સીરિયા પહોંચવાના હતા. જો કે સીરિયા રવાના થતા પહેલાં ગુજરાત અથવા તો દેશના અન્ય કોઈ શહેર-રાજ્યમાં લોનવૂલ્ફ એટેક કરવાની તેમની યોજના હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. અત્યારે આ મામલે ચારેયની સઘન પૂછપરછ ચાલી રહી છે. એટીએસ દ્વારા ગુજરાતમાંથી ખૂંખાર આતંકી સંગઠન આઈએસનું ત્રીજું મોડ્યુલ પકડી પાડવામાં આવ્યું છે. આ પહેલાં રાજકોટમાંથી વસીમ-નઈમ નામના બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો પણ આઈએસના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો હતા અને તેમની યોજના ચોટીલા મંદિરે ખાનાખરાબી સર્જવાની હતી. આ ઉપરાંત તાજેતરમાં જ ભરૂચમાંથી આ પ્રકારનું મોડ્યુલ પકડી લેવામાં આવ્યું હતું ત્યારે હવે પોરબંદરમાં ઓપરેશન પાર પાડવામાં આવતાં ગુજરાતમાંથી ત્રીજું મોડ્યુલ પકડાયું છે.