જામનગર શહેરમાં નવરાત્રિની ભકિતભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. નવરાત્રિ અંતિમ પડાવ તરફ જઈ રહી છે. ત્યારે ગઈકાલે સાતમા નોરતે જામનગર શહેરની પ્રાચિન જલાની જારની ગરબીમાં ઈશ્વર વિવાહ યોજાયા હતાં. જેમાં આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતાં અને આ ઈશ્વર વિવાહ નિહાળ્યા હતાં.
જામનગર શહેરની પ્રાચિન જલાની જારની ગરબીને આજ સુધી આધુનિકતાનો સ્પર્શ થયો નથી. લાઉડસ્પિકર, સંગીતના વાંજિત્રો વિના માત્ર નોબતના તાલે પૂરૂષો દ્વારા રમાતી આ ગરબીમાં પરંપરાગત લાલ-પીળા-કેસરી અબોટીયા પહેરી માતાજીના ગરબા રજૂ કરવામાં આવે છે. આ ગરબીમાં ઈશ્વર વિવાહ શરૂ થાય એટલે એક પણ ક્ષણના વિરામ વગર 3:30 કલાકે સુધી સતત ગાવામાં અને રમવામાં આવે છે. 337 વર્ષ જૂની આ ગરબીમાં આજ સુધી પૂરાણી પરંપરા જાળવી રાખવામાં આવી છે. ગઈકાલે સાતમા નોરતે રાત્રે 12:30 વાગ્યે આદ્ય કવિ દેવીદાસ રચિત ઈશ્વર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુરૂષોએ ઈશ્વર વિવાહ ગાયને સાતમા નોરતાની ઉજવણી કરી હતી. આ તકે ધારાસભ્ય આર.સી.ફળદુ, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારિયા, કોર્પોરેટર નિલેશભાઈ કગથરા, પૂર્વ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન આકાશભાઈ બારડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.