દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા તાલુકાના સલાયા ગામનો દરિયા કાંઠો છેલ્લા ઘણા દાયકાઓથી વિવિઘ પ્રકારની દેશદ્રોહી પ્રવૃત્તિઓ તથા દાણચોરી અને હેરાફેરી માટે કુખ્યાત બની રહ્યો છે.
આ વચ્ચે ગઈકાલે રાત્રે સલાયા વિસ્તારમાં પોલીસના વાહનોની દોડધામથી ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસ દ્વારા સલાયા બંદર તથા આસપાસના વિસ્તારોમાં પોલીસ કાફલો દોડી ગયો હતો. કોઈ ચોક્કસ મુદ્દે સલાયા પંથકમાં ઓપરેશન કરાયું હોવાની વાતો વચ્ચે આ બાબત ભારે ચર્ચા વ્યાપી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીના જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે મોડે સુધી સલાયા પંથકમાં એલ.સી.બી. તથા એસ.ઓ.જી. વિભાગ દ્વારા ચેકિંગ અંગેની કામગીરી કરવામાં આવી હતી અને સંભવત: આગામી સમયમાં કેટલીક બાબતો પર પ્રકાશ પડે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે.
જિલ્લા પોલીસની ખાસ શાખા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી અંતર્ગત આગામી સમયમાં કેટલાક કડાકા-ભડાકા થાય તો પણ નવાઇ નહીં. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે સલાયા વિસ્તારમાંથી ચાર માસ પૂર્વે રૂા. 315 કરોડનો ડ્રગ્સનો જથ્થો લેન્ડ થયા બાદ હેરાફેરી દરમિયાન ઝડપાઇ ગયો હતો. ત્યારે જિલ્લા પોલીસની આ વધુ એક કાર્યવાહીથી આગામી સમયમાં હવે શું થશે? તે બાબતે જિલ્લાભરની જનતાની મીટ મંડાઇ છે.