જામનગરના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ આજે મહાનગર પાલિકા તેમજ અન્ય શાખાના અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શહેર વિકાસ, ચાલતા કામગીરીના પ્રગતિ અહેવાલો તથા આગામી આયોજન અંગે વિશ્લેષણાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
પ્રભારી મંત્રીએ આ બેઠક બાદ શહેરમાં ચાલતા વિવિધ વિકાસ કાર્યોનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને જૂની આર.ટી.ઓ. કચેરી નજીક બની રહેલ નવા માર્ગની કામગીરી અંગે તેમણે સ્થળ મુલાકાત લીધી હતી. આ સ્થળે તેમણે તંત્રના અધિકારીઓ સાથે કામગીરીની વર્તમાન સ્થિતિ, કાચા રોડના કારણો અને પૂર્ણતા માટેનો અંદાજિત સમયગાળો અંગે વિગતે ચર્ચા કરી.
આ સાથે તેમણે જામનગરમાં આગામી શ્રાવણ માસ દરમ્યાન યોજાનારા પારંપરિક શ્રાવણી મેળાની આયોજન વિધિ અંગે પણ મહાનગર પાલિકાના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી. મેળા દરમ્યાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાગરિકો ઉમટતા હોવાને કારણે ટ્રાફિક વ્યવસ્થામાં સમસ્યાઓ ઉભી થાય છે, તે જોવા મળ્યું છે.
આ સંદર્ભે પ્રભારી મંત્રીએ તાકીદનો આદેશ આપતા જણાવ્યું કે, મેળા દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થામાં વિઘ્ન ન આવે તે માટે જરૂરી માર્ગોએ ટૂંક સમયમા કામગીરી પૂર્ણ કરી ને તેને કાર્યરત કરાવામાં આવે. સાથે તેમણે સુરક્ષા વ્યવસ્થા, સફાઈ વ્યવસ્થા અને સામાન્ય સુવિધાઓ અંગે પણ યોગ્ય આયોજન કરવા સૂચના આપી.
આ સમીક્ષા બેઠક અને સ્થળ નિરીક્ષણ દરમિયાન કમિશનર ડી એન મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઈજનેર ભાવેશ જાની સહીચના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. સાથે જ મેયર વિનોદ ખીમસુર્યા, ડેપ્યુટી મેયર કિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિલેશ કગથરા તેમજ અન્ય તંત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


