દેશમાં મોંઘવારી ઘટવાનું નામ લઇ રહી નથી. એપ્રિલમાં જાહેર થયેલા રીટેલ ફુગાવાના આંકડા નિરાશાજનક રહ્યાં છે. એપ્રિલમાં રીટેલ ફુગાવો છેલ્લા આઠ વર્ષના ઉચ્ચ સ્તરે રહેતા કેન્દ્ર સરકાર, આરબીઆઇ અને દેશની પ્રજાની ચિંતામાં વધારો થયો છે. સતત વધી રહેલા ફુગાવાને પગલે બેંકો લોનના વ્યાજ દર વધારશે અને તેના લોનના હપ્તાની રકમ વધવાની શક્યતા છે. ખાદ્ય વસ્તુઓ અને ઇંધણના ભાવ વધવાને કારણે એપ્રિલ મહિનામાં રીટેલ ફુગાવો વધીને 7.79 ટકાની આઠ વર્ષની ટોચે પહોંચી ગયો છે. ફુગાવો વધવાને કારણે આગામી મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) ફરી એક વખત વ્યાજ દરોમાં વધારો કરશે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વધતા જતા ફુગાવા અંગે ચિંતા વ્યક્ત કરતા આરબીઆઇએ ગત સપ્તાહમાં રેપો રેટ 0.40 ટકા વધારીને 4.40 ટકા કર્યો હતો. છેલ્લા ચાર મહિનાથી રીટેલ ફુગાવો છ ટકાથી વધારે રહેશે. રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ખાદ્ય વસ્તુઓ અને ઇંધણના ભાવ વધી રહ્યાં છે. આ અગાઉ મે, 2014માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો 8.33 ટકા નોંધવામાં આવ્યો હતો.
માર્ચ, 2022માં રીટેલ ફુગાવો 6.95 ટકા અને એપ્રિલ, 2021માં 4.23 ટકા હતો. એપ્રિલમાં ખાદ્ય વસ્તુઓનો ફુગાવો વધીને 8.38 ટકા થઇ ગયો છે. જે એક મહિના અગાઉ 7.68 ટકા તથા એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 1.96 ટકા હતા તેમ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઇંધણ અને વીજળી કેટેગરીના ફુગાવો વધીને 10.80 ટકા થઇ ગયો છે. જે ગયા મહિને 7.52 ટકા હતો. એપ્રિલ, 2022માં શાકભાજીના ભાવમાં 15.41 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જે ગયા મહિને 11.64 ટકા હતો.