જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં વરસાદ પડતાંની સાથે જ ચારે બાજુ ઇયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેને લીધે રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. જે અંગે તંત્ર નિંભર થઇને જોઇ રહ્યું છે.
ચોમાસાનો પ્રારંભ થઇ ચૂકયો છે. ત્યારે છેલ્લા કેટલાંક સમયથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ત્યારે નવાગામના અનેક વિસ્તારોને ઇયળોએ ઘેરી લીધા હોય તેમ પરિસ્થિતિ ઉભી થઇ છે. લાલપુર તાલુકાના નવાગામની ઘરોની દિવાલો ઉપરાંત ઓટલા અને વાસણ સહિતની જગ્યાએ ઇયળોના ઝુંડ જોવા મળી રહ્યા છે. જેથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે કેટલાંક દિવસથી રાતોરાત ઇયળનો ઉપદ્રવ વધવા લાગ્યો છે. તમામ જગ્યાઓ પર ઇયળોના ઢગલા જોવા મળી રહ્યાં છે. આથી ઇયળોના ઉપદ્રવને કારણે ગ્રામજનોના આરોગ્ય સામે પણ જોખમ ઝળુંબી રહ્યું છે અને રોગચાળો ફાટી નિકળે તેવી દહેશતથી લોકો ગભરાઇ રહ્યાં છે. ત્યારે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સુતુ હોય તેમ જણાઇ રહ્યું છે. જે અંગે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.