Thursday, January 16, 2025
Homeરાજ્યજામનગરઅનિયમિત વીજપૂરવઠાના વિરોધમાં ઉદ્યોગકારોના ધરણાં

અનિયમિત વીજપૂરવઠાના વિરોધમાં ઉદ્યોગકારોના ધરણાં

વારંવાર વીજપૂરવઠો ખોરવાય જાય છે : અવાર-નવાર નિયમિત વીજપૂરવઠો ફાળવવા રજૂઆત : નિંભર તંત્ર દ્વારા વીજપૂરવઠો ન ફાળવાતા ઉદ્યોગકારોમાં આક્રોશ : ત્રસ્ત થઈને ઉદ્યોગકારો દ્વારા ધરણાં

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં અવાર-નવાર વીજપૂરવઠો અનિયમિત હોવાની વ્યાપક ફરિયાદો કરાતી હોવા છતાં પીજીવીસીએલ તંત્ર દ્વારા આ રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવતી નથી તેમાં પણ ખાસ કરીને દરેડ જીઆઈડીસી વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા અપાતો વીજપૂરવઠો અવાર-નવાર ખોરવાઈ જતો હોવાથી વ્યવસાયકારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉદ્યોગોમાં અપાતા અનિયમિત વીજપૂરવઠા મામલે ઉદ્યોગકારો દ્વારા અવાર-નવાર પીજીવીસીએલમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ કાયમી બની ગયેલ સમસ્યાનું નિરાકરણ કરવામાં ન આવતાં આજે પીજીવીસીએલના ત્રાસથી કંટાળેલા ઉદ્યોગકારોએ ધરણાં અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

- Advertisement -

જિલ્લામાં અવાર-નવાર વીજપૂરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે જેનાથી લોકો ટેવાઈ ગયા છે. ચોમાસાની સીઝન પૂર્વે પ્રિમોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. આ પ્રિમોન્સૂન કામગીરી બાદ ચોમાસામાં વરસાદની શરૂઆત થતાંની સાથે જ શહેરમાં અને ગ્રામ્યમાં અનેક સ્થળોએ વીજપૂરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓમાં જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-2 અને 3 માં છેલ્લાં ઘણાં સમયથી અનિયમિત વીજપૂરવઠાના કારણે 150 થી વધુ કારખાનાઓની પરિસ્થિતિ કપરી બની ગઈ છે. આ કારખાનામાં કામ કરતા 3000 થી વધુ શ્રમિકો ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે. વીજપૂરવઠો ખોરવાઈ જવાના કારણે મજૂરોની આર્થિક સ્થિતિ પણ કફોડી બનતી હોય છે. આ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પાવરકટના કારણે ઉદ્યોગકારોને આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે.

અવાર-નવાર અનિયમિત વીજપૂરવઠાને કારણે કારખાનેદારો ઉપર શ્રમિકોનો પગાર અને માલની ઉત્પાદન કિંમત પણ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં બ્રાસ ઈન્ડસ્ટ્રીઝમાં મંદી છવાયેલી રહે છે અને અનિયમિત વીજપૂરવઠાથી ઉત્પાદન્ન ઓછું થવાને કારણે કારખાનેદારોની આવકમાં ઘટાડો થાય છે. ઉપરાંત લીધેલી લોનનો બોજ વધી જાય છે. બીજી તરફ પીજીવીસીએલને અવાર-નવાર 17 વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ નિંભર તંત્ર દ્વારા ઉદ્યોગકારોની સમસ્યાઓનો હલ કરવામાં બેદરકારી દાખવવામાં આવે છે. પીજીવીસીએલના ત્રાસથી કંટાળીને આજે ધરણાં અને સૂત્રોચ્ચાર કરી નિયમિત વીજપૂરવઠો ફાળવવા માંગણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular