ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું છે. ભારતે ન્યુઝીલેન્ડ સામે 540 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ કીવી ટીમ 167 રન જ બનાવી શકી અને આ મેચ મોટા અંતરથી હારી ગઈ. ટેસ્ટ ક્રિકેટમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત પણ છે. કેપ્ટન તરીકે કોહલીની આ 39મી જીત છે વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની સતત ત્રીજી જીત છે. ભારતીય ભૂમી પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા છેલ્લી 8 મેચોમાંથી 7 મેચ જીતી.
ચોથા દિવસે ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને જયંત યાદવે રચિન રવિન્દ્રની 18 રને વિકેટ મેળવી ટીમ ઈન્ડિયાને છઠ્ઠી સફળતા અપાવી હતી. રચિન રવિન્દ્રએ કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કિવી ટીમને હારમાંથી તો બચાવી સાથે મેચ ડ્રો કરવામાં પણ મોટી ભૂમિકા ભજવી હતી. રવિન્દ્ર અને હેનરી નિકોલ્સે છઠ્ઠી વિકેટ માટે 90 બોલમાં 33 રન જોડ્યા હતા. જયંતે તેની આગલી જ ઓવરમાં કાયલ જેમિસનને શૂન્ય રને LBW આઉટ કર્યો. હેનરી નિકોલ્સ સાથે પરામર્શ કર્યા પછી જેમિસને રિવ્યૂ લીધો પરંતુ તેમાં તેને આઉટ અપાયો અને જયંતે ગણ ને 7મો ફટકો આપ્યો હતો. તે જ ઓવરમાં યાદવે ટિમ સાઉથીને ઝીરો રને બોલ્ડ કર્યો હતો. ભારતે ન્યૂઝીલેન્ડ સામે 540 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો. તેની પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવ્યા બાદ, ભારતે આ મેચમાં તેની બીજી ઈનિંગ 7 વિકેટે 276 રન પર ડિક્લેર કરી હતી.
ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 62 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગ્સમાં પણ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો આસાનીથી બેટિંગ કરી શક્યા ન હતા. ડેરીલ મિશેલે ચોક્કસપણે 92 બોલમાં 60 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 27 રનમાં ત્રણ અને ડાબોડી સ્પિનર અક્ષર પટેલે 42 રનમાં એક વિકેટ લીધી હતી. 55 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ ડેરીલ મિશેલ અને હેનરી નિકોલ્સે ન્યૂઝીલેન્ડની ઇનિંગની કમાન સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 111 બોલમાં 73 રન જોડ્યા હતા. આ ભાગીદારીને અક્ષર પટેલે મિશેલને 60 રને આઉટ કરીને તોડી હતી. મિશેલે 92 બોલમાં 60 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની બીજી અડધી સદી હતી. બ્લંડલ મિડ ઓફ તરફ શોટ ફટકારે છે અને રન માટે દોડે છે. જો કે, હેનરી નિકોલ્સે તેને બીજા છેડેથી રન કરવાનો ઇનકાર કર્યો હતો. ભારતે કિવી ખેલાડીઓ વચ્ચે તાલમેલના અભાવનો ફાયદો ઉઠાવ્યો અને બોલ ઉપાડીને ઝડપથી કીપર તરફ ફેંક્યો. આ રીતે ન્યુઝીલેન્ડે તેની 5મી વિકેટ ગુમાવી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 276/7ના સ્કોર પર બીજી ઈનિંગ ડિક્લેર કરી હતી. પ્રથમ દાવમાં 150 રન બનાવનાર ઓપનર મયંક અગ્રવાલ (62 રન) બીજી ઈનિંગમાં પણ ટોપ સ્કોરર રહ્યો હતો. આ સાથે ચેતેશ્વર પુજારા (47 રન) અને શુભમન ગિલ (47 રન)એ પણ સારો સ્કોર કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચનાર એજાઝ પટેલે બીજી ઈનિંગમાં પણ 4 વિકેટ ઝડપી હતી. એજાઝ પટેલનું (14/225) પ્રદર્શન વાનખેડે ખાતે કોઈપણ બોલર દ્વારા અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. અક્ષર પટેલે 26 બોલમાં અણનમ 41 રન બનાવ્યા હતા