ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળના પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઇ નિરાકરણ ન આવતાં આજથી રાજ્યભરના તમામ તલાટી-કમ-મંત્રીઓ અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતર્યા હતાં.
તલાટી-મંત્રીઓના પડતર પ્રશ્ર્નો અંગે ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા 2018થી અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પડતર પ્રશ્ર્નોનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. આ અગાઉ તા. 7-9-2021ના રોજ હડતાલનું એલાન કર્યું હતું. પરંતુ તે સમયે સરકાર દ્વારા ટૂંકસમયમાં પ્રશ્ર્નોના સુખદ ઉકેલની ખાત્રી આપતા હડતાલ મોકુફ રાખી હતી. જેને 9 માસ જેટલો સમય થવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતાં આજથી રાજ્યના તમામ તલાટી-કમ-મંત્રીઓ પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્તની હડતાલ ઉ5ર ઉતર્યા હતાં.