જામનગર શહેર-જિલ્લામાં ગઇકાલે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ રાત્રે વિજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ સટા-સટી બોલાવી હોય તેમ હાલાર પંથકમાં છ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ઉપરવાસના વરસાદને પરિણામે તથા ડેમ વિસ્તારમાં થઇ રહેલા વરસાદથી જામનગર શહેર-જિલ્લાના વિવિધ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે. ખાસ કરીને જામનગર શહેરને પીવાનું પાણી પુરું પાડતાં રણજીતસાગર ડેમમાં પણ બે ફૂટથી વધુ પાણીની સપાટીમાં વધારો થતાં શહેરીજનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.
જામનગર શહેર-જિલ્લામાં આવેલા વિવિધ જળાશયોમાં ગઇકાલે રાત્રે ઉપરવાસ તથા ડેમસાઇટમાં થયેલા વરસાદને પરિણામે પાણીની ઢિંગી આવક થવા પામી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહેલા વરસાદથી નદીઓ બેકાંઠે થતી જોવા મળી રહી છે. ગત સોમવારે જ સપડા ડેમ ઓવરફલો થયો હતો. તો બીજીતરફ ફલ્લા નજીકનો કંકાવટી ડેમ 90 ટકા ભરાઇ ચૂકયો હતો. ત્યારે ગઇકાલે રાત્રીના સમયે શહેરના વરસાદથી જામનગર જિલ્લામાં આવેલા વિવિધ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક ચાલુ રહી છે. આજે સવાર સુધી મોટાભાગના જળાશયોમાં પાણીની આવક ચાલુ રહી હતી.
જામનગર મહાનગરપાલિકા હસ્તકના રણજીતસાગર ડેમમાં અઢી ફૂટ જેટલું નવું પાણી આવ્યું છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં રણજીતસાગર ડેમની સપાટી 22.6 ફૂટ સુધી પહોંચી ચૂકી છે. રણજીતસાગર ડેમમાં થયેલી પાણીની આવકથી જામનગર શહેરને પીવાના પાણીમાં રાહત મળી છે અને જામનગર શહેરને ત્રણ મહિના સુધી ચાલે તેટલું પીવાનું પાણી ડેમોમાં આવી ચૂકયાનું પણ જાણવા મળી રહ્યું છે. રણજીતસાગર ઉપરાંત ઉંડ-1 ડેમમાં અડધો ફૂટ તથા આજી-3 ડેમમાં સવા ફૂટ જેટલુ પાણી આવ્યું છે.
જામનગરની જીવાદોરી સમાન ડેમોમાં પાણીની આવક થવાની સાથે સાથે જામનગર શહેરના બોર તથા ડંકી માટે પ્રાણ સમાન શહેરની શાન એવા લાખોટા તળાવમાં પણ નવા નિરની ધિંગી આવક થવા પામી છે. વરસતા વરસાદ વચ્ચે પણ શહેરીજનો લાખોટા તળાવમાં આવેલ નવા નિરને નિહાળવા ઉમટયા હતાં.