જામનગર શહેર અને જિલ્લામાં શનિ-રવિ દરમિયાન કોરોનાના મામલે થોડી રાહત થઈ છે. શનિવારે જામનગર શહેર અને જિલ્લાના 302 કેસ નોંધાયા પછી રવિવારે માત્ર 55 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમિત દર્દીઓ કરતાં ત્રણ ગણાથી વધુ 174 દર્દીઓને કોરોના સ્વસ્થ થયા હતાં. જો કે સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા કોરોનાગસ્ત જામનગર, દેવભૂમિ-દ્વારકા અને પોરબંદરના મળી કુલ 08 દર્દીઓના મૃત્યુ થયા છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં એક સપ્તાહ દરમિયાન કોરોનાએ તરખાટ મચાવ્યા પછી શનિવાર અને રવિવારે કોરાની ગતિ એકદમ ધીમી પડી ગઈ છે, અને જામનગર શહેરના શનિવારે 214 કેસ કેસ નોંધાયા પછી રવિવારે માત્ર 35 કેસ તેમજ ગ્રામ્ય વિસ્તારના શનિવારે 88 કેસ પછી રવિવારે માત્ર 20 કેસ નોંધાયા હોવાથી આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો છે, અને રવિવારે થોડો રાહતનો દમ લીધો છે. શનિવારે જામનગર શહેરના 214 પોઝિટિવ દર્દી ની સામે 543 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે રવિવારે 35 પોઝીટીવ કેસ ની સામે 135 ને કોરોનામુક્ત જાહેર કરાયા છે.
તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે 88 કેસ જ્યારે રવિવારે 20 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી લગભગ બમણાં શનિવારે 167 અને રવિવારે 39 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. ફરીથી કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે લોકોએ સાવચેત રહેવું અત્યંત જરૂરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ થયેલા જામનગર શહેર,લાલપુર તાલુકાના પીપરટોડા દેવભુમી-દ્વારકા અને પોરબંદરના એક દર્દી સહિત કુલ 8 દર્દીઓના મૃત્યુ નિપજયા છે.
જામનગરના સાધના કોલોની નજીક ન્યુ હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતી 35 વર્ષની યુવતીનું જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. જેમણે વેક્સિનના બંને ડોઝ મેળવી લીધા હતા, જેઓ બ્લડપ્રેશરની બીમારીથી પીડાતા હતા. પરંતુ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જામનગરમાં પાર્ક કોલોની વિસ્તારમાં પેલેસની સામે રહેતા 72 વર્ષના વૃદ્ધાનું સારવાર દરમિયાન જી.જી. હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 માં રહેતા 86 વર્ષના વૃદ્ધાનું કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું. આ ઉપરાંત લાલપુર તાલુકાના પીપરટોડા ગામના એક દર્દીનું જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પોરબંદરનાં વતની 40 વર્ષના કોરોનાગ્રસ્ત યુવાનનું મોત નિપજ્યું હતું.
ઉપરાંત જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા 71 વર્ષના વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ મહિલાએ પણ કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો છે. સોમવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટાકાલાવડ ગામમાં રહેતા 75 વર્ષના વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા 48 કલાક દરમિયાન કુલ 6 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા 1,834 કોવિડ પરીક્ષણ કરી લેવામાં આવ્યા છે. જેની સામે ગ્રામ્ય વિસ્તારમાં પણ 1,221 કોવિડ પરીક્ષણ કરાયા છે. સમગ્ર જિલ્લામાં 3,055 લોકોનું કોવિડ પરીક્ષણ કરાયું છે. જે પૈકી રવિવારે માત્ર 55 દર્દીના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે. જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં આજની તારીખે કોરોનાના 55 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે જે પૈકી 3 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત મ્યુકોર્માઇકોસિસની બીમારીના અગાઉ દાખલ થયેલા તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ ગઈકાલે નવા બે દર્દીઓ દાખલ થયા છે અને ઇ.એન્ડ.ટી. વિભાગમાં તેઓની સારવાર ચાલી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સરેરાશ ઘટી રહ્યું હોવાનું ચિત્ર સામે આવ્યું છે. છેલ્લા 48 કલાક દરમિયાન કોરોનાના 55 નવા કેસ વચ્ચે 71 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.
શનિવારે ભાણવડમાં એક, દ્વારકામાં નવ, કલ્યાણપુરમાં ત્રણ અને ખંભાળિયામાં નવ મળી, કુલ નવા 22 દર્દીઓ નોંધાયા છે. ત્યારે ગઇકાલે રવિવારે ભાણવડમાં એક દ્વારકામાં સતર, કલ્યાણપુરમાં ત્રણ અને ખંભાળિયામાં બાર નવા કેસ મળી 33 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે બે દિવસના સમયગાળામાં ભાણવડમાં 4, દ્વારકામાં 32, કલ્યાણપુરમાં 12 અને ખંભાળિયામાં 23 મળી, 48 કલાકમાં 71 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે 1,252 અને ગઈકાલે રવિવારે 733 મળી, કુલ 1,985 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.