જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક કારખાનેદારે યુવતીને પોતાના કારખાનામાં સફાઈ કામે બોલાવ્યા પછી દુષ્કર્મ આચર્યું હતું, આ ફરિયાદ લખાવવા માટે આવેલી ભોગ બનનાર મહિલાની સાથે અન્ય એક યુવતીને સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી કારખાનેદારે ધાકધમકી આપી માથે રહીને મારી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરાવડાવી છે, તેમ કહી સમાજમાં હલકા પાડવા માટે અપમાનીત કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કેશોદ પંથકની એક યુવતી પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને બે સંતાનો છે, પરંતુ આજથી પંદર દિવસ પહેલાં પતિ સાથે ઝઘડો થતાં પોતાના બે સંતાનો સાથે જામનગરમાં રહેતી અન્ય એક યુવતીના ઘેર આવીને રહેતી હતી. જે દરમિયાન શંકર ટેકરીમાં કારખાનું ચલાવતા કારખાનેદાર ચતુર ભગવાનજીના કારખાનામાં સફાઈ કામ માટે મહિલાની જરૂરત છે તેવું જાણતી હોવાથી કેશોદ પંથકથી આવેલી યુવતીને કારખાનામાં સફાઈ કામ માટે મોકલી હતી. દરમિયાન કારખાનેદારે એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ દુષ્કર્મની સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર યુવતી ફરિયાદ લખાવવા માટે આવી હતી. જેની સાથે તેણીને જામનગરમાં આશરો આપનાર યુવતી પણ ફરિયાદ લખાવવા માં મદદ માટે આવી હતી.
સીટી-સી ડિવિઝન પોલીસે કારખાનેદાર ચતુર ભગવાનજીભાઈને શોધી લઇ પોલીસ મથકે લઇ આવ્યા હતા, અને ખરાઈ કરવામાં આવી રહી હતી. જે દરમિયાન કારખાનેદાર ચતુર ભાડજાએ જામનગરમાં આશરો આપનાર યુવતીને ધમકી આપી હતી અને પોલીસ મથકમાં જ સમાજમાં હલકા પાડવા માટેના શબ્દોનો ઉપયોગ કરી તેં માથે રહીને બળાત્કારની ફરિયાદ કરાવી છે તેમ કહી પતાવી દેવાની ધમકી આપી હતી. જે બનાવના અનુસંધાને કારખાનેદાર સામે પોલીસ મથકમાં જ ધાક ધમકી અને અપમાનીત કરવાની બીજી ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર પ્રકરણની તપાસ જામનગરના એસટી એસસી સેલના ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરી કારખાનેદારના કોવિડ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ આરંભી હતી.