જામનગરમાં રહેતા ગીતાબા જગદીશસિંહની માલિકીનું અશોક લેલન્ડ લિ.નું ટેન્કર નં. જીજે-3 બીડબલ્યુ-6634 તા. 1-2-2021ના રોજ રાત્રીના સમયથી તા. 2-2-21ના સવારના સમય દરમિયાન ખાવડી મુકામે ટેન્કર ચોરાઇ ગયું હતું. જેથી ગાડીના માલિક ગીતાબા દ્વારા ટેન્કરનો વિમો લીધો હોય, જેથી તેની વિમા કંપની ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિ. પાસે ટેન્કરની ચોરી બદલ પોલીસીની ઇન્સ્યોર્ડ રકમ મેળવવા કલેઇમ ફોર્મ ભરી કલેઇમ નોંધાવ્યો હતો.
આ કેસની વિગત મુજબ ફરિયાદી દ્વારા કલેઇમ નોંધાવ્યા બાદ દોઢ વર્ષના લાંબા સય સુધી કલેઇમ સેટલ્ડ નહીં થતાં ગાડીના માલિક ગીતાબા દ્વારા વકીલ સોહિલ બેલીમ મારફત વિમા કંપનીને લીગલ નોટીસ મોકલવામાં આવી હતી. ત્યારબાદ જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ નોંધાવી હતી અને વિમા કંપનીને નોટીસ બજી જતાં વિમા કંપની તરફે બચાવો લેવામાં આવેલ કે, ટ્રક ચોરીની જાણ તાત્કાલિક કરવામાં આવી ન હતી. ટ્રક ડ્રાઇવર વેલીડ અને ઇફેકટીવ લાયસન્સ ધરાવતા નથી. કલેઇમ ફોર્મમાં ખોટી હકીકત જણાવેલ છે. ગેરે બચાવો લીધા હતાં. પરંતુ વકીલ સોહિલ દ્વારા સુપ્રિમ કોર્ટ તથા નેશનલ કમિશનના ચુકાદા રજૂ કરી અને લો પોઇન્ટ ઉપર જિણવટભરી દલીલ કરી હતી અને કમિશન દ્વારા ફરિયાદી તરફેની દલીલને માન્ય રાખી વિમા કંપનીએ ફરિયાદીને દિવસ-30માં રૂા. 12 લાખ 9 ટકાના વ્યાજ સાથે તથા રૂા. 8 હજાર માનસિક ત્રાસ તથા ફરિયાદ ખર્ચ પેટે ચૂકવવા આદેશ કર્યો હતો. ફરિયાદી તરફે વકીલ વિરલ એસ. રાચ્છ, સોહિલ આર. બેલિમ, હર્ષિલ રાબડીયા તથા સલમાન શેખ રોકાયા હતાં.