ખંભાળિયામાં ભગવતી હોલ વિસ્તારમાં રહેતા એક મહિલા તથા તેમના પરિવારજનો સાથે બોલાચાલી કરી બઘડાટી કરવા સબબ ધરાનગર વિસ્તારમાં રહેતા મહિલાઓ- યુવતીઓ સહિત છ શખ્સો સામે ગુનો નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં ભગવતી હોલ પાછળના ભાગે ધરાનગર વિસ્તારમાં રહેતા દીપિકાબેન દેવેન્દ્રભાઈ કલ્યાણજીભાઈ સોઢા નામના મહિલા ગઈકાલે શુક્રવારે સવારના સમયે તેમના ઘરે હતા ત્યારે આ વિસ્તારમાં રહેતો મેહુલ દુલા સિંધિયા નામનો શખ્સ તેમના ઘર પાસે ખુરશી નાખી અને બેફામ ગાળો બોલતો હતો. મેહુલ વિરુધ્ધ અગાઉ ફરિયાદી દીપિકાબેનના બહેને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જે બાબતનો રાગ દ્વેષ રાખી મેહુલ દ્વારા દીપિકાબેન તથા તેમના પરિવારજનોને પરેશાન કરવામાં આવતા હતા.
આ શખ્સ દ્વારા ફેલાવતા ત્રાસ અંગે તેમના દ્વારા 112 નંબરના ફોન કરવામાં આવતા 112 નો સ્ટાફ આ સ્થળે આવ્યો હતો. પરંતુ મેહુલ સિંધિયા નાસી છૂટ્યો હતો. આ પછી સાંજના સમયે આરોપી મેહુલ તેમજ જાયબેન ઉર્ફે જયાબેન શામરા ધારાણી, સોનલબેન સામત કારીયા, હિતેશ સામરા ધારાણી, ભાવિષાબેન આશાભાઈ લુણા અને રૂપાબેન ઉર્ફે પાલાબેન દુલા સિંધિયાએ ફરિયાદી દીપિકાબેન, તેમના પતિ દેવેન્દ્રભાઈ, તેણીના પિતા વસંતભાઈ, માતા કુંદનબેન, બહેન શાંતિબેન વિગેરે સાહેદો સાથે બોલાચાલી કરી, લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી દીપિકાબેન તથા તેમના પરિવારજનોને નાની-મોટી ઈજાઓ સાથે અહીંની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે દીપિકાબેન દેવેન્દ્રભાઈ સોઢાની ફરિયાદ પરથી મેહુલ દુલા સિંધિયા, જાઇબેન ઉર્ફે જયાબેન શામરા, સોનલબેન સામત, હિતેશ સામરા, ભાવિશાબેન આશાભાઈ તેમજ રૂપાબેન ઉર્ફે પાલાબેન દુલા સિંધિયા સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ જે.એમ. ડોડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.