દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં ભેજાબાજ પિતા-પુત્ર દ્વારા સરકારી ખરાબાની જગ્યામાં ઓરડી બનાવી અને છુપાવીને રાખેલો અંગ્રેજી દારૂનો વિશાળ જથ્થો અહીંના ડીવાયએસપી સ્ટાફ દ્વારા પકડી પાડી પાડવામાં આવ્યો છે. આ પ્રકરણમાં ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ નવરાત્રિના પર્વે લોકો શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવી શકે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ અહીંના ડી.વાય એસ.પી. હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ગત રાત્રીના સમયે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ ભીખુભા જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ રત્નાભાઈ કોડીયાતરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગત રાત્રે ખંભાળિયા તાલુકાના સલાયા નજીક આવેલા ચારબારા ગામમાં ભાલગામ તળાવવાળી ઢાંઢા નામની સીમમાં આવેલી સરકારી ખરાબાની જગ્યા પર બનાવવામાં આવેલી એક ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળેથી પોલીસને ચેકિંગ દરમિયાન છુપાવવામાં આવેલી 1223 બોટલ જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂનો જથ્થો સાંપડ્યો હતો. આથી પોલીસે રૂપિયા 4,89,200 ની કિંમત નો પરપ્રાંતીય શરાબનો જથ્થો કબજે લઇ અને આ સરકારી જગ્યા પર ઓડીમાં દારૂ છુપાવવા બદલ વચલાબારા ગામના પ્રવિણસિંહ દાનસંગજી સોઢા અને બ્રિજરાજસિંહ પ્રવીણસિંહ સોઢા સામે પ્રોહીબીશન એક્ટ મુજબ કાર્યવાહી કરી અને ઉપરોક્ત બંને શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પ્રકરણ અંગે આગળની તપાસ ખંભાળિયા પોલીસને સોંપવામાં આવી છે. સરકારી ખરાબામાં છપાવવામાં આવેલો વિદેશી દારૂનો આ વિશાળ જથ્થો ઝડપાઈ જવાથી બુટલેગરોમાં ફફડાટ સાથે દોડધામ પ્રસરી છે.
ખંભાળિયામાં સરકારી ખરાબામાં ઓરડી બનાવીને છુપાવીને રાખવામાં આવેલો દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો
રૂ. 4.88 લાખનો 1223 બોટલ શરાબ ઝબ્બે: બે આરોપીઓ ફરાર