જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા ખેડૂત યુવાનને ધનોતપનોત નિકળી જવાનો ભય બતાવી અમદાવાદના તાંત્રિક સહિતના ચાર શખ્સોએ સમયાંતરે રૂા.10 લાખ પડાવી લઇ વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા ખેડૂત જીતેન્દ્ર વિઠ્ઠલભાઈ કથીરીયા નામના પટેલ યુવાનને અમદાવાદના અનવરબાપુ અને જૂનાગઢના કેશુભાઈ નામના બે શખ્સોએ તાંત્રિક વિધિથી ચલણી નોટો બનાવી દેવા માટે એક માસ અગાઉ વિશ્ર્વાસમાં લીધા હતાં અને ત્યારબાદ જામનગરમાં યુવાનના પુત્રના ઘરે રહેણાંક મકાનમાં તાંત્રિક વિધિ કરવા માટે સમયાંતરે રૂ.10 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. ઉપરાંત ખેડૂતના પુત્રના ઘરે જામનગરના મકાનમાં તાંત્રિક વિધિ કરવાના બહાને રૂમ બંધ કરી અને આ રૂમમાં ખાડો ખોદી સ્ટીલનો હાંડો મંગાવી તેના પર તાંત્રિક વિધિ કર્યા બાદ આ હાંડામાં સોનુ હોવાનો વિશ્ર્વાસ આપી અને ‘મને પૂછયા વગર આ હાંડો ખોલતા નહીં.’ ઉપરાંત જીતેન્દ્ર અને તેના પુત્ર સૌરવને ફોન કરીને અનવરબાપુએ તાંત્રિક વિધિના રૂપિયા આપશો નહીં તો તમારું કામ આગળ વધશે નહીં અને તમારા પરિવારનું ધનોતપનોત નિકળી જશે તેમ બિવડાવીને પૈસા પડાવ્યા હતાં.
ત્યારબાદ પિતા-પુત્રએ હાંડો ખોલવા માટે અનવર બાપુ અને કેશુભાઇને ફોન કરતા તેઓએ હજુ તમારી વિધિમાં વિઘ્ન આવે છે અત્યારે હાંડો ખોલતા નહીં. ત્યારબાદ પાંચ દિવસ પછી ફરીથી ખેડૂતે આ ઠગ ટોળકીને અવાર-નવાર ફોન કરતા ટોળકીએ ફોન બંધ કરી દીધા હતાં. જેથી ખેડૂતની સાથે છેતરપિંડી થયાનું જણાતા તેણે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે અમદાવાદના અનવરબાપુ, જૂનાગઢના કેશુભાઈ અને ત્રણ અજાણ્યા સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ તાંત્રિક વિધિના બહાને લાખોની છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.