કાલાવડ ગામમાં રહેતાં વૃધ્ધ વેપારીના ઘરમાંથી ત્રીસ મિનિટના સમય દરમિયાન અજાણ્યા શખ્સે કબાટની તીજોરીમાંથી વેપારની અને વૃધ્ધ પત્નીએ પાકીટમાં રાખેલી રોકડ રકમ સહિત કુલ રૂા.1,75,000ની રોકડ રકમ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, કાલાવડ ગામની મુખ્ય બજારમાં આવેલી પારેખ શેરીમાં રહેતાં વેપાર કરતા દેવનદાસ આસુમલભાઈ ગંગવાણી નામના વૃધ્ધ વેપારીના પત્ની દેવીબેન ગત તા.24 ના રોજ સાંજના સમયે 6 થી 6:30 દરમિયાન બાજુમાં રહેતા પાડોશી રેખાબેનના ઘરે ગયા હતાં તે દરમિયાન 30 મિનિટના સમયમાં અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી રૂમમાં રહેલાં કબાટની તીજોરીમાંથી વૃધ્ધે વેપારના રાખેલા રૂા.1,08,300 અને દેવીબેને તેના પાકિટમાં રાખેલા રૂા.66,700 મળી કુલ રૂા. 1,75,000 ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. ચોરી અંગેની વેપારી દ્વારા જાણ કરાતા પીઆઇ વી.એસ. પટેલ તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.