જામનગર શહેરમાં તળાવની પાળ પાસેના વિસ્તારમાં રહેતી પુત્રીના ઘરે વાસ્તાનું આમંત્રણ આપવા આવેલા પ્રૌઢ ઉપર તેના જ જમાઇએ ઈંટોના જીવલેણ ઘા મારી હત્યા નિપજાવ્યાના બનાવથી ચકચાર જાગી હતી. બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા જમાઈને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ (શિતલા)માં રહેતા વિજયભાઇ ભાનુશંકર ભટ્ટ (ઉ.વ.50) નામના પ્રૌઢ તેના પુત્ર સચિને બનાવેલા નવા મકાનના વાસ્તુ માટે આમંત્રણ આપવા માટે જામનગરમાં તળાવની પાળ 5ાસેના દિગ્વીજય પ્લોટ શેરી નં.12 મા આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતી તેની પુત્રી ફાલ્ગુનીના ઘરે આવ્યાં હતાં. આ આમંત્રણ માટે પ્રૌઢના જમાઈ મનિષ સુરેશ જાનીએ સસરા સાથે ઉગ્ર બોલાચાલી કરી પત્નીને ન જવા દેવા માટે માથાકૂટ કરી હતી. તે દરમિયાન ઉશ્કેરાયેલા મનિષએ સસરાના માથામાં ઈંટોના જીવલેણ ઘા ઝીંકયા હતાં. જેથી હુમલામાં ઘવાયેલા પ્રૌઢ સસરા લોહીલુહાણ હાલતમાં એપાર્ટમેન્ટના પટાંગણમાં જ ઢળી પડયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બોલાચાલી અને હુમલામાં હત્યારા જમાઈને પણ ઈજા પહોંચી હતી. મોડીસાંજના બનેલી ઘટનાને કારણે આજુબાજુના લોકો એકઠાં થઈ ગયા હતાં અને 108 ને જાણ કરી હતી. પરંતુ 108 એ પ્રૌઢ વિજયભાઈનું મોત નિપજ્યું હોવાથી પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીઆઈ એમ.જે. જલુ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન હુમલા બાદ ઘવાયેલા હત્યારો મનિષ જાની હોસ્પિટલમાં સારવાર લેવા દોડી ગયો હતો. જ્યાંથી પોલીસે હત્યારાના મનિષને ગણતરીના સમયમાં દબોચી લઇ મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેના આધારે સંજય રમેશભાઈ ભટ્ટના નિવેદનના આધારે પોલીસે મનિષ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મળતી વિગત મુજબ, ફાલ્ગુની અને મનિષના લગ્ન બાદ છેલ્લાં આઠેક વર્ષથી પ્રસંગોપાત એક બીજાના ઘરે આવવા-જવાનો વ્યવહાર ન હોવાથી જમાઈ મનિષ તેની પત્ની ફાલ્ગુનીને પિયરે જવા દેવા માગતો ન હતો અને આ બાબતે સસરા-જમાઈ વચ્ચે બોલાચાલી થતા જમાઈએ સસરાનું ઢીમ ઢાળી દીધું હતું. મૃતક આરએસએસના હોય જેથી જામનગરના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખ હિંડોચા, હિતેન ભટ્ટ અને મેરામણ ભાટુ સહિતના અગ્રણીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં.