તૌકતે નામનું વાવાઝોડું ઝડપભેર ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તથા ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, કચ્છ, અમરેલી અને જામનગર જિલ્લાઓમાં તૌકતે વાવાઝોડું ત્રાટકે તેવી ચેતવણી આપવામાં આવેલ છે. તૌકતે વાવાઝોડુ તા.17 મે 2021ના સાંજે જામનગર આવવાની શકયતા છે. જામનગર જિલ્લામાં આવનારા તૌકતે વાવાઝોડુથી સંભવિત અસર થનાર હોય તેવા 1 હજારથી વધુ લોકોને તાત્કાલીક ખસેડવાની જરૂર પડે તેમ છે જ્યારે આગળ જતા ભવિષ્યમાં કુલ ૩ હજાર થી વધુ લોકોને ખસેડવાની તૈયારીઓ વહિવટીતંત્ર દ્વારા કરેલ છે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા તૌકતે વાવાઝોડા થકી જિલ્લામાં જાનમાલની કોઈ નુકસાની ન થાય તે માટે અનેક પગલાંઓ લેવાઈ રહ્યા છે. જામનગર શહેર માં તંત્ર દ્વારા જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી હાલ યુદ્ધના ધોરણે શરૂ છે.વોર્ડ વાઇઝ જુદી જુદી ટીમો બનાવી અત્યાર સુધીમાં શહેરના તમામ સ્થળોએથી જોખમકારક હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.સાથે સાથે જોખમી વૃક્ષો તથા જર્જરિત ઇમારતો પણ દૂર કરવામાં આવી રહી છે. ડ્રેનેજ તથા નદી-નાળાના વહેણમાંથી કચરો દૂર કરી ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે.તેમજ જોખમી ઇમારતો નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.