જામનગર શહેરમાં નવાગામ ઘેડ ઈન્દીરા સોસાયટી વિસ્તારમાં ઈકો કાર વાળવા બાબતે બાઈકસવાર સાથે થયેલી બોલાચાલી બાદ બાઈકસવાર પાંચ શખ્સો સાથે આવીને કારના ચાલક ઉપર લાકડી વડે હુમલો કરતા ચાલકને બચાવવા પડેલા તેના ભાઇ ઉપર છરી અને લાકડીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. આ બનાવમાં પોલીસે પાંચ અજાણ્યા શખ્સો વિરુધ્ધ રાયોટીંગ અને હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડમાં ઈન્દીરા સોસાયટીમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા યોગેશ જગદીશપ્રસાદ કૌશિક નામનો યુવાન શનિવારે રાત્રિના સમયે તેની જીજે-10-સીજી-9806 નંબરની ઈકો કાર લઇને તેની નોકરી પરથી ઘરે પરત આવતો હતો ત્યારે ઈન્દીરા સોસાયટીમાં કાર વાળવા માટે ઈન્ડીકેટર આપી કાર વાળતો હતો ત્યારે સામેથી આવતા બે બાઈકસવારે કાર વાળવા બાબતે બોલાચાલી કરી અપશબ્દો બોલી ઝપાઝપી બાદ ધમકી આપી જતા રહ્યાં હતાં. ત્યારબાદ થોડા સમય પછી પાંચ શખ્સો બે બાઈક પર હથિયારો સાથે ધસી આવ્યા હતાં અને યોગેશના ઘર પાસે આવી તેના ઉપર ઢીકાપાટુનો અને લાકડી વડે માર મારતા બચાવવા તેનો ભાઈ રાજેશ વચ્ચે પડયો હતો. ત્યારે હુમલાખોર પાંચ શખ્સોએ રાજેશ ઉપર લાકડીઓના આડેધડ ઘા ઝીંકી ઝપાઝપી કરી રાજેશના પગમાં છરીનો જીવલેણ ઘા ઝીંકયો હતો.
બન્ને ભાઈઓ ઉપર થયેલા હુમલામાં ઈજાગ્રસ્ત બંધુઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં રાજેશ જગદીશપ્રસાદ કૌશિક (ઉ.વ.35) નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો અને તેના ભાઈ જગદીશને ઈજા પહોંચતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હત્યાના બનાવની જાણ થતા પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. જ્યાં પોલીસે મૃતકના ભાઈ જગદીશના નિવેદનના આધારે પાંચ અજાણ્યા શખ્સો વિરુધ્ધ રાયોટીંગ અને હત્યાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.