જામજોધપુર ગામમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલી વેપારીની દુકાન સામેના રોડ પર પાર્ક કરેલી તેની કારને બેફીકરાઈથી રીવર્સમાં આવતા ચાલતા ટ્રેકટરના ચાલકે લીસોટા અને ઘોબો પાડી જતા બે શખ્સોએ વેપારીને ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં રહેતાં દિવ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા નામના વેપારી યુવાનની દુકાન જામજોધપુરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલી છે. વેપારી યુવાને ગત તા.2 ના રોજ બપોરના સમયે તેની દુકાનની સામેના રોડ પર જીજે-10-ડીએન-1572 નંબરની કાર પાર્ક કરી હતી. તે દરમિયાન રીવર્સમાં આવતા જીજે-10-સીએન-5812 નંબરના ટ્રેકટરના ચાલકે બેફીકરાઈથી ચલાવી વેપારીની કારમાં લીસોટા અને ઘોબા પાડી દીધા હતાં. જેથી વેપારીએ ટ્રેકટરચાલક કિશોર દઢાણિયા અને પારુલ જાવીયા નામના બે શખ્સો સાથે બોલાચાલી થતા બંને શખસોએ વેપારી યુવાનને જેમ ફાવે તેમ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. જામજોધપુર ગામમાં વેપારી સાથે વધુ એક માથાકૂટ થયાના બનાવની જાણ કરાતા હેકો એસ. આર. પરમાર તથા સ્ટાફે બે શખસો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.