એક વર્ષ અગાઉ કેન્દ્રિય બજેટ અગાઉ ક્રિપ્ટોકરન્સિઝ પર પ્રતિબંધ મૂકવા માટે લગભગ તૈયાર થયેલી સરકારના વલણમાં ધરમૂળથી ફેરફાર જોવા મળી રહ્યો છે. લગભગ 12 મહિના બાદ નાણા મંત્રાલયે ક્રિપ્ટોકરન્સિઝ પર પ્રતિબંધ મૂકવાનું માંડી વાળ્યું છે અને હવે તે ક્રિપ્ટોને એક ડિજીટલ એસેટ ક્લાસ તરીકે માન્ય કરવાની વિચારણા ચલાવી રહી છે. સાથે રોકાણકારોની સુરક્ષા માટે તે રેગ્યુલેશન્સ રજૂ કરવા માટે પણ તૈયારી કરી રહી છે.
હાલમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સિઝમાં ટ્રેડિંગ ગેરકાયદે નથી જ પરંતુ તેના પર કોઈ કાયદાકીય નિયમનો લાગુ પડી રહ્યાં નથી. જેને કારણે ડિજિટલ એસેટ ક્લાસમાં રોકાણ કરતાં રોકાણકારો પર કૌભાંડ અને છેતરપિંડીનો ખતરો રહે છે. દેશમાં ક્રિપ્ટો ઉદ્યોગ સરકાર તરફ્થી સારા ઈન્ફ્લુઝનની ઈચ્છા ધરાવે છે. જેમાં એક વર્ગ ક્રિપ્ટોને ચલણ તરીકે કાનૂની માન્યતા આપવા માટે પણ આગ્રહ કરી રહ્યો છે. જોકે આમ થવું એ દૂરની વાત છે. હાલમાં તો સરકાર તમામ ભાગીદારોની ચિંતાઓને ધ્યાનમાં રાખી એક સંતુલિત માર્ગ શોધવા માટે આગળ વધી રહી છે.
સરકાર માને છે કે ભારતીય રોકાણકારોએ ક્રિપ્ટોકરન્સીઝમાં મોટું રોકાણ કર્યું છે અને તેથી તેના પર પ્રતિબંધ મૂકવો શકય નથી. ભારતીય રોકાણકારોમાં બિટકોઈન અને ઈથેરિયમ ખૂબ જ લોકપ્રિય બની ચૂક્યાં છે. જ્યારે યુવાનોમાં આ સિવાયની ક્રિપ્ટો કરન્સીઝ પણ લોકપ્રિય છે. સરકાર હવે ક્રિપ્ટો બિલ તૈયાર કરી રહી છે. જે એક અસરકારક રેગ્યુલેશન લાવવામાં સહાયરૂપ બનશે. વર્તુળોના જણાવ્યા મુજબ આ મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ ચૂકી છે અને સરકારી અધિકારીઓ સમક્ષ પ્રેઝન્ટેશન પણ રજૂ થઈ ચૂક્યું છે. જેમાં ક્રિપ્ટોકરન્સિઝને લઈને તમામ સારી-નરસી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં અન્ય દેશો દ્વારા અમલી રેગ્યુલેટરી મોડેલ્સને પણ દર્શાવવામાં આવ્યાં છે. આ બિલને સંસદના સત્રમાં રજૂ કરવામાં આવશે. જેને બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સિઝ બિલ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. આનો અર્થ એવો થશે કે ક્રિપ્ટોમાં રોકાણ કરી શકાશે અને તેને લાંબા સમયગાળા સુધી જાળવી શકાશે.