Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકાધીશ મંદિરમાં યાત્રિકોના મુદ્દામાલની ચોરી કરતી પરપ્રાંતિય ટોળકી ઝડપાઈ

દ્વારકાધીશ મંદિરમાં યાત્રિકોના મુદ્દામાલની ચોરી કરતી પરપ્રાંતિય ટોળકી ઝડપાઈ

- Advertisement -

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે જુદા-જુદા પ્રાંતમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. હજારોની સંખ્યામાં આવતા યાત્રાળુ પાસે રહેલી રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરતી સક્રિય બનેલી પરપ્રાંતિય ગેંગને જિલ્લા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસે દબોચી લીધી હતી. આ ચોર-ગઠિયાઓ પાસેથી પોલીસે રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં બે મહિલાઓ સહિત આઠની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં એક શખ્સ ફરાર જાહેર થયો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રોમાંથી સાંપળેલી વિગત મુજબ દ્વારકામાં જન્માષ્ટમી નિમિત્તે વિવિધ વિસ્તારોમાંથી આવેલા જુદા-જુદા શ્રદ્ધાળુઓ પાસે રહેલી રોકડ રકમ છેલ્લા કેટલાક દિવસોથી દ્વારકાધીશ મંદિર પરિસરમાંથી ચોરી થતી હોવા અંગેની ફરિયાદ પોલીસમાં આવતી હતી. જગત મંદિરની સુરક્ષા તેમજ ચોરીના બનાવો બનતા અટકે તે માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી હતી. જે અંતર્ગત એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. મહમદભાઈ બ્લોચ તથા ઇરફાનભાઈ ખીરાને મળેલી ચોક્કસ બાબીના આધારે દ્વારકાના મંદિર વિસ્તારમાં આવેલી આંધ્ર પ્રદેશ વિસ્તારના તસ્કરોની ટોળકી કાર્યરત હોવાથી પોલીસ સ્ટાફ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને વોચ ગોઠવતા મંદિર વિસ્તારમાં બેસી અને તમિલ-તેલુગુ ભાષામાં વાત કરતા બે મહિલા તથા છ પુરૂષોને દબોચી લેવામાં આવ્યા હતા.આ શખ્સોની ઝડતી તપાસ કરવામાં આવતા તેઓ પાસેથી રૂપિયા 1.58 લાખ રોકડા, રૂપિયા 38 હજારની કિંમતના આઠ નંગ મોબાઈલ ફોન તેમજ 10 નંગ એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.

આમ, કુલ રૂપિયા 1,97,000 ના મુદ્દામાલ સાથે પોલીસે આંધ્રપ્રદેશ રાજ્યના ગુંટુર જિલ્લાના સાંઈ ગોપી ક્રિષ્ના ચેડાલા, રામારાવ વેંકટેશ્વરલુ ચીટ્ટીમલ્લા, ભરત ચીટીબાબુ થોતુકા, ક્રિષ્ના વેંકટેશ્વરલુ ચેડાલા, ચીટીબાબુ વેંકટેશ્વરાવ થોત્તુકા, સાંઈ વેંકટરમન ચિપરુપલ્લી, નાગમની ઉર્ફે મની રામારાવ ચીટ્ટીમલ્લા અને પ્રિયંકા મનિકાન્તા ઉપ્પુ નામના કુલ આઠ વ્યક્તિઓને દબોચી લેવામાં આવ્યા હતા. આ તમામની આગવી ઢબે અને ખાસ ટેકનીકલ રીતે જીણવટભરી રીતે પૂછપરછ કરવામાં આવતા પોપટ બની ગયેલી આ ટોળકીએ દ્વારકાધીશ મંદિરમાં દર્શનાર્થીઓને નિશાન બનાવી ચોરી કર્યાનું કબૂલ્યું હતું. જેમાં ગત તારીખ 9 ઓગસ્ટના રોજ રૂપિયા 2000, તારીખ 12 ઓગસ્ટના રોજ રૂપિયા 18000, તા. 13 ઓગસ્ટના રોજ રૂપિયા 48000 તથા 14 ઓગસ્ટના રોજ રૂપિયા બે લાખ ઉપરાંત તારીખ 15 ઓગસ્ટના રોજ દ્વારકાધીશ મંદિર ખાતેથી રૂ. બે લાખના રોકડ મુદ્દામાલ મળી કુલ રૂપિયા 4.68 લાખની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

- Advertisement -

આ પ્રકરણમાં ગુંટુરનો રહીશ મોલાકા વિનય બાબુરાવ નામનો શખ્સ નાસી છૂટ્યો હોવાનું પણ ખુલવા પામ્યું છે. ઝડપાયેલા આ શખ્સો પોકેટ ચોરી મારફતે રકમની ચોરી કરી, આ રકમ તેઓ એટીએમ મશીનના ઉપયોગથી પોતાના અલગ અલગ એકાઉન્ટમાં જમા કરાવી દેતા હતા. છેલ્લા દિવસોમાં તેઓએ રૂપિયા ત્રણ લાખની રકમ બેંકમાં જમા કરાવી હોવાની કબુલાત પોલીસમાં આપી હતી.આટલું જ નહીં, ઉપરોક્ત શખ્સો બાબતે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આઇસીજીએસ પોર્ટલ મારફતે જુદા-જુદા રાજ્યમાં ગુનાઓના ડેટાબેઝમાં ઉપરોક્ત ટોળકીના સભ્યો વિરુદ્ધ ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ વિગેરે સ્થળોએ છ જેટલા ચોરીના ગુના નોંધાયા હોવાની વિગતો પણ પોલીસને સાંપળી હતી.

આરોપીઓની પૂછપરછમાં ઝડપાયેલા આ તમામ વ્યક્તિઓ એક જ પરિવારના સદસ્યો છે. આ ટોળકી દ્વારકાધીશ મંદિર જેવી ભીડભાડ વારી જગ્યામાં તથા ધર્મસ્થળોએ જઈ, અને ત્યાં વયોવૃદ્ધ કે શારીરિક અશક્ત વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી, તેની પાછળ રેકી કરી ભીડભાડ તથા ધક્કામુક્કીનો લાભ લઈને નજર ચૂકવી અને પાકીટ તથા રોકડ રકમની ચોરી કરતા હતા. બાદમાં આ તમામ મળેલી રકમનો સરખે હિસ્સે ભાગ પાડી, અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કેસ ડિપોઝિટ મશીન મારફતે નાણાં જમા કરાવી દેતા. જેથી તેઓ ઝડપાઈ જાય તો પણ રોકડ રકમ પોલીસને મળી ન શકે તેવી મોડેસ ઓપરેન્ડીથી આ તસ્કર ગેંગ કામ કરતી હતી.

- Advertisement -

ઝડપાયેલા આ તમામ આરોપીઓનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે. જે સંદર્ભે દ્વારકા પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, પી.એસ.આઈ. એસ.વી. ગળચર, બી.એમ. દેવમુરારી સાથે એલ.સી.બી. તથા એસ.ઓ.જી. સ્ટાફ ઉપરાંત દ્વારકા પોલીસ મથકના મહિલા સ્ટાફ દ્વારા પણ જરૂરી કામગીરી કરવામાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular