આણંદમાં પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલા શખ્સને હાજર કરવા અને તેના સ્થાને અન્ય શખ્સને રજૂ કરવા માટે બે લાખ રૂપિયાની લાંચ લેતા આણંદના બે પોલીસ કર્મીઓએ એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, રાજ્યના આણંદ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં એક શખ્સનું નામ ખુલ્યુ હતું અને તપાસ દરમિયાન શખ્સના મિત્રોએ શખ્સને પોલીસમાં હાજર કરવા તથા માથા સાટે માથુ મુકવા આણંદ પોલીસ સ્ટેશનના હેકો ધર્મેન્દ્રકુમાર પરબતસિંહ ગઢવી દ્વારા શખ્સના મિત્ર પાસે બે લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. પરંતુ, મિત્ર લાંચ આપવા માંગતા ન હોવાથી પોલીસ કર્મી સાથેની વાતચીતનું રેકોડીંગ કરી સીધી લાંચ રૂશ્વત વિરોધી શાખામાં રજૂ કરી ફરિયાદ કરી હતી. જે સંદર્ભે પંચમહાલના ગોધરા એસીબી પીઆઈ આર બી પ્રજાપતિ તથા ટીમ દ્વારા આણંદ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ બહાર છટકું ગોઠવવામાં આવ્યું હતું અને સોમવારે એસીબી દ્વારા ગોઠવાયેલા છટકામાં જાગૃત નાગરિક પાસેથી હેકો ધર્મેન્દ્રકુમાર પરબતસિંહ ગઢવી અને રફિક ગની વોહરા નામના બે પોલીસકર્મીઓને રૂા.2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લઇ બંને પોલીસ કર્મીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.