“કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી મળતો અને અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો ગુજરાતી આ કહેવત જામનગરની પોલીટેકનિક કોલેજના વિદ્યાર્થી યશ ડોડિયાએ સાર્થક કરી બતાવી છે. વિદ્યાર્થીએ દિવસ રાત એક કરીને ઓછી કિંમતનું ડ્રોન તૈયાર કરી જબરી સફળતા હાંસલ કરી છે. આ અનેરી સીધી બદ્દલ વિદ્યાર્થી પર કોલેજ સ્ટાફ અને પરિવારજનો દ્વારા શુભેચ્છાનો મિઠો મેહ વર્શી રહ્યો છે.
આપણા સમાજમાં ફિલ્મો નાટકો અને ભવાઈનો ઘણો પ્રભાવ રહેલો છે. અને આપણા મગજ પર સારી અને ખરાબ બન્ને અસર પહોંચાડે છે. ખાસ કરીને ઘણી પ્રેરણાદાયક ફિલ્મો જોયા બાદ બાળકોના મગજ પર તેની ઉંંડી અસર પહોંચે છે. યશના માનસ પર બાળપણમાં જોયેલી થ્રી ઇડિયટ ફિલ્મનો ખુબ જ ઉંડો પ્રભાવ પડ્યો હતો. અને આજે તેણે ઓછી કિંમતમાં એક ડ્રોન તૈયાર કર્યું છે.
હાલ સરકારી પોલિટેક્નિક જામનગરમાં યશ ડોડિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિષયમાં એન્જિનિયરિંગ કરી રહ્યો છે. યશનું કહેવું છે કે જ્યારે તે 14 વર્ષની ઉંમરનો હતો ત્યારે તેણે થ્રી ઇડિયટ ફિલ્મ જોઇ હતી. આ ફિલ્મ જોયા બાદ તેના મગજમાં ટેક્નોલોજી પ્રત્યેનો લગાવ થઇ ગયો હતો. અને બાદમાં તેને ડ્રોન બનાવવાનો વિચાર આવ્યો હતો. એન્જિનિયરિંગમાં બે સેમેસ્ટર સુધી થિયરીકલ અભ્યાસ કર્યા બાદ અને અહીં શિક્ષકોની મદદથી તેને સફળતા મળી અને રિસર્ચ કર્યા બાદ ડ્રોન તૈયાર કર્યું. બજારમાં કે ડ્રોનની કિંમત એક લાખથી વધુ છે તે પ્રકારનું ડ્રોન યશે માત્ર 30 હજારના ખર્ચમાં બનાવી નાખ્યું.
યશનું કહેવું છે કે, તેના આ ટેક્નોલોજી પ્રત્યેના લગાવ પાછળ પરિવાર અને એન્જિનિયરિંગ કોલેજના શિક્ષકોનો ખુબ જ સપોર્ટ રહ્યો છે. તો સરકારી પોલિટેક્નિક જામનગરના પ્રિન્સિપાલ એ.કે. ઝાલાનું કહેવું છે કે અમે સરકાર અને કોલેજ તરફથી જે કોઇ વિદ્યાર્થી આ પ્રકારે પ્રોજેક્ટમાં સારું કામ કરવા માગે છે તેઓને સપોર્ટ કરીએ છીએ. અમે કોલેજમાં એક ખાસ લેબ તૈયાર કરી છે જ્યાં શિક્ષકો અને SSIPના માર્ગદર્શન હેઠળ બાળકો વિવિધ રિસર્ચ કરે છે. SSIP સ્કિમ હેઠળ કુલ 2500 વિદ્યાર્થીઓનું સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ કરેલા છે.